ડેમોક્રેટીક સેનેટર્સના જૂથે કરેલા દાવા પ્રમાણે કોરોનાના મહામારી વચ્ચે એશિયન – અમેરિકનો સામે હેટ ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. સેનેટરોએ ટ્રમ્પ વહીવટી તંત્રને આ દૂષણને નાથવા નક્કર પગલાં ભરવા અનુરોધ કર્યો હતો. આસિસ્ટન્ટ એટર્ની જનરલ એરીક ડ્રેઇબેન્ડને પાઠવેલા પત્રમાં કમલા હેરિસ સહિત 16 સેનેટરોએ વહિવટી તંત્રને દ્વેષભાવ સામે ભૂતકાળની માફક નક્કર પગલાં ભરવા વિનંતી કરી હતી.
સેનેટરોએ જણાવ્યું હતું કે, 20 મિલિયન કરતાં પણ વધારે એશિયન અમેરિકનો તથા એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડરો કોવિડ-19 મહામારી સામે લડતા હેલ્થકેર વર્કર્સ, કાયદાપાલન એજન્ટો તથા અન્ય આવશ્યક સેવાઓમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે સમુદાય સામે હેટ ક્રાઇમ નાથવા નક્કર પગલાં ભરવા રહ્યાં.
સેનેટર્સે જણાવ્યું હતું કે, દેશભરમાં ગયા મહિને કનડગત, કિન્નાખોરીની જેટલી ઘટનાઓની માહિતી એશિયન અમેરિકન સંગઠનોને મળી છે. દેશભરમાં એશિયન અમેરિકનો સામે હેટ ક્રાઇમની ઘટનાઓ વધશે તેવી ચેતવણી એફબીઆઇએ માર્ચમાં આપી હતી.
પ્રમુખ ટ્રમ્પ અને તેમના અધિકારીઓ કોરોનાને ‘ચાઇનીઝ અને વુહાન વાઇરસ’ ગણાવી ચૂક્યા છે તથા વાઇટ હાઉસના અધિકારીએ ‘કુંગ ફલૂ’ ગણાવ્યા હોવાથી આવી ઉશ્કેરણીજનક ભાષા એશિયન વિરોધી દ્વેષભાવ વધારશે તેવી ચેતવણીના વાતાવરણમાં 14મી માર્ચે ટેક્સાસની સેમ ક્લબમાં બે અને છ વર્ષના એશિયન અમેરિકન બાળકો અને તેમના પિતાને ચાકુના ઘા ઝીંકાયા હતા. સેનેટરોએ યાદ અપાવી હતી કે, વિશ્વ આરોગ્ય સંગઠને ચેપી રોગોને ચોક્કસ કોમલક્ષી નામ આપવા સામે ચેતવણી આપેલી છે.