ગુજરાતમાં કોરોનાથી વધુ ૪૯ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ મૃત્યુઆંક હવે ૩૬૮ થઇ ગયો છે. હાલ કુલ ૬૨૪૫ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી છે. આમ, ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુદર હવે ૫.૯૦% થઇ ગયો છે. ગુજરાતમાં મે માસના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના ૧૮૫૦ કેસ નોંધાઇ ચૂક્યા છે.
અમદાવાદમાં કોરોનાના કુલ ૪૪૨૫ કેસ નોંધાયા છે અને જેમાંથી ૨૭૩ના મૃત્યુ થયા છે. આમ, અમદાવાદમાં મૃત્યુદર ૬.૧૭ ટકા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસના ૭૦ ટકા માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આ ઉપરાંત ગુજરાતમાં થયેલા મૃત્યુના ૭૦થી વધુ માત્ર અમદાવાદમાં છે. મૃત્યુદરની રીતે જોવામાં આવે તો જામનગર હાલ મોખરે છે.
જ્યાં કેસ માત્ર ચાર નોંધાયા છે અને ૧નું મૃત્યુ થતાં મૃત્યુદર ૨૫ ટકા છે. વલસાડમાં પણ ૬ કેસ સામે ૧ મૃત્યુ નોંધાતા મૃત્યુદર ૧૪.૧૫ ટકા છે. જે જિલ્લાઓમાં મૃત્યુદર ૧૦ ટકાથી વધુ છે તેમાં જામનગર-વલસાડ ઉપરાંત કચ્છ અને સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે. મૃત્યુદરની રીતે જોવામાં આવે તો અમદાવાદ ૧૦માં સ્થાને છે. રાજકોટ ૧.૦૨ ટકા સાથે સૌથી ઓછો મૃત્યુદર ધરાવે છે. ગુજરાતના ૩૨ જિલ્લામાં કોરોનાનો પગપેસારો થયો છે. આ પૈકી ૧૯ જિલ્લામાં કોરોનાથી ઓછામાં ઓછું એક મૃત્યુ થયું છે.
કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયું હોય તેવા જિલ્લાઓમાં અમદાવાદ બાદ સુરત ૩૩ બાદ બીજા, વડોદરા ૩૦ સાથે ત્રીજા જ્યારે આણંદ ૬ સાથે ચોથા અને ભાવનગર પાંચ સાથે પાંચમાં ક્રમે છે. આમ, ગુજરાતના મહાનગરોમાં કોરોનાના કેસનું પ્રમાણ વધારે રહ્યું છે. મે મહિના પાંચ દિવસ દરમિયાન દરરોજ ૩૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ૧ મેના કોરોનાના ૩૨૬ કેસ જ્યારે ૫ મેના ૪૪૧ કેસ નોંધાયા છે. આમ, ચાર દિવસમાં જ કોરોનાની વૃદ્ધિમાં ખાસ્સો વધારો થયેલો છે.