ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી મહિનાઓ માટે અપાયેલા તમામ પ્રકારના વિસા રદ્ કર્યા છે. ખાસ કેટેગરીને બાદ કરતા બધા જ પ્રકારના વિસા રદ્ કર્યા હોવાની જાહેરાત સરકારે કરી હતી. ગૃહ મંત્રાલયે નોટિફિકેશનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર બંધ હોવાથી આગામી મહિનાઓ માટે મંજૂર કરાયેલા તમામ પ્રકારના વિસા રદ્ કરાયા છે.
કોરોના મહામારીના કારણે ભારતમાં લોકડાઉન હોવાનું પણ એક કારણ રજૂ કરાયું હતું. વિદેશી રાજદૂતો, યુએનના અધિકારીઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર્સ, સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓના અધિકારીઓ વગેરેના વિસા અપવાદ રૂપે રદ્ કરાયા નથી. એ સિવાયની તમામ કેટેગરીના વિસા તાત્કાલિક અસરથી સરકારે રદ્ કર્યા છે.
અનિવાર્ય સંજોગોમાં વિદેશના સરકારી અધિકારીઓને પણ વિસા અપાઈ શકે છે એવું નોટિફિકેશનમાં કહેવાયું હતું. જોકે, લોકડાઉનમાં ફસાયેલા વિદેશી નાગરિકોના વિસાની સમયમર્યાદા ભારત સરકારે એક મહિના માટે વધારી દીધી છે. ગૃહ મંત્રાયલે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ હોવાથી ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોને ૩૦ દિવસ માટે રાહત આપવામાં આવે છે.