સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં કોવિડ-૧૯નો પ્રસાર અટકાવવા માટે અનેક દેશોએ લૉકડાઉન લાગુ કર્યા હતા. જોકે, હવે અમેરિકાથી લઈને યુરોપથી એશિયા સુધીના અનેક દેશોમાં લૉકડાઉનમાં છૂટછાટો અપાઈ છે, જેથી લાખો લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હતા. જોકે, રશિયા અને બ્રિટનમાં સ્થિતિ હજી ગંભીર છે. રશિયામાં સૌપ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાના ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા.
બ્રિટનમાં પણ કોરોનાથી મૃત્યુઆંક ઈટાલીની નજીક પહોંચતા ૨૮,૦૦૦થી વધુ થયો છે. વૈશ્વિક મહામારી કોરોનાનો ફેલાવો અને મોતનું તાંડવ ચાલુ જ રહ્યું છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨.૪૬ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૩૫.૨૬ લાખથી વધુ કેસ નોંધાયા છે. એક સમયે યુરોપમાં કોરોનાના એપી સેન્ટર ગણાતા ઈટાલીમાં મૃત્યુઆંક દર નીચો થતાં સ્ટ્રોલિંગ, જોગિંગ અથવા સાઈકલ રાઈડિંગ માટે રાષ્ટ્રીય સ્તરે પાર્ક્સ ખુલ્લા મુક્યા હતા. પરિણામે અનેક દિવસોથી ઘરોમાં કેદ થઈ ગયેલા લોકો બહાર નીકળ્યા હતા.
જોકે, લૉકડાઉનમાં આંશિક છૂટછાટો મળવા છતાં પ્લેગ્રાઉન્ડ્સમાં પિકનિક પરનો પ્રતિબંધ યથાવત્ છે. વડાપ્રધાન ગુઈસેપ્પે કોન્ટેએ ચેતવણી આપી હતી કે કોવિડ-૧૯ના ચેપનો દર ફરીથી વધવા લાગશે તો આ છૂટછાટો તુરંત અટકાવી દેવાશે. સ્પેનમાં પણ અનેક લોકોએ ૧૪મી માર્ચ પછી સૌપ્રથમ વખત વીકએન્ડમાં બહાર નીકળવાનું સાહસ કર્યું હતું.
બ્રિટનમાં ૨૩મી માર્ચથી લાગુ કરાયેલું લૉકડાઉન ગુરુવારે પૂરું થઈ રહ્યું છે ત્યારે લૉકડાઉનના કારણે મુકાયેલા નિયંત્રણો કેવી રીતે હળવા કરવા તે અંગે વડાપ્રધાન બોરિસ જોહ્નસન પર ખૂબ જ દબાણ છે.
બ્રિટનમાં હજી પણ દરરોજ સેંકડોની સંખ્યામાં લોકોનાં મોત થઈ રહ્યા છે. વધુમાં બ્રિટનમાં મેડિકલ કર્મચારીઓએ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટની અછતની ફરિયાદ કરી હતી.અમેરિકામાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર છે. યુએસમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧.૬૯ લાખ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૬૮ હજાર થઈ ગયો છે. તેમ છતાં અમેરિકામાં અનેક જગ્યાએ લૉકડાઉનનો વિરોધ થઈ રહ્યો છે. ન્યૂયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં હજી પણ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગની ચિંતા કર્યા વિના જોગિંગ કરી રહ્યા છે. ન્યૂજર્સીમાં પણ પાર્ક ખુલ્લા કરાયા છે. જોકે, ત્યાં લોકોની સંખ્યા ૫૦ ટકા સુધી મર્યાદિત રખાઈ છે.