દેશમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 195 મોત નિપજ્યા છે તેમજ સૌથી વધારે 3900 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમીત દર્દીઓનો કુલ આંકડો વધીને 46,000ને ઓળંગી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારના રોજ આ સત્તાકીય માહિતી આપી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 349 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન એક પણ મૃત્યુ નથી નોંધાયું.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3900 કેસ નોંધાતા કોરોના સંક્રમીતોની સંખ્યા વધીને 46,433 સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધારે છે. આ અગાઉ 24 કલાક દરમિયાન સૌથી વધારે મોતનો આંક 83 હતો. જોકે, આ દરમિયાન થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધીમાં 12,727 દર્દીઓ સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે.
દર્દીઓનો રિકવરી રેટ સતત સુધરીને 27.40 ટકા સુધી પહોંચી ગયો છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકડાઉનનો આ ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, જેને 17 મે સુધી લાગુ કરવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં અઢી લાખથી વધારે લોકોના મોત નિપજ્યા છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસનો ડેલી ગ્રોથ રેટ અમેરિકા, ઈટાલી, બ્રિટનથી પણ વધારે છે. કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત 20 દેશોના ડેલી ગ્રોથ રેટ મુજબ ભારતમાં વાયરસ ખૂબ જ વધારે ગતિથી ફેલાઈ રહ્યો છે.