સરકાર દ્વારા નક્કી કરાયેલી લોકડાઉનની ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ લીક થઇ છે અને તેને વડાપ્રધાન બોરીસ જ્હોન્સન દ્વારા રવિવારે રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેર કરાશે તેવી અપેક્ષા છે. આ યોજના અંતર્ગત કંપનીઓએ જ્યાં સુધી તેઓ સ્ટાફને સુરક્ષિત રાખે છે તે બતાવી શકે છે ત્યાં સુધી કંપનીમાં 2 મીટરનું સામાજિક અંતર ‘લાગુ કરવાનું રહેશે નહીં. પરંતુ હોટ ડેસ્કિંગ અથવા પેન શેર નહિ કરવા જણાવાયુ છે. બોરિસ જ્હોન્સન આ યોજના જાહેર કરવામાં વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો છે.
નવી યોજના અંતર્ગત સ્ક્રીન્સ નાંખવી, સ્વચ્છતામાં બરોબર ચોકસાઇ, લોકો લાંબા સમય સુધી ખૂબ નજીક ન રહે તેની ખાતરીને વૈકલ્પિક સલામતી તરીકે ગણવામાં આવેલ છે. ઓફિસોને તેમના રોટાની નવેસરથી શરૂઆત કરવા, કામની શરૂઆત, અંત અને બ્રેકટાઇમનો સમય નક્કી કરવા આદેશ આપવામાં આવશે. કંપનીઓને અમૂક ઇક્વીપમેન્ટ સામુહિક ઉપયોગ અટકાવવા જણાવાયુ છે.
ઘરેથી કામ ન કરી શકે તેવા 70થી વધુ વયના, ગર્ભવતી અને અંતર્ગત આરોગ્યની સ્થિતિ હોય તેવા સંવેદનશીલ કર્મચારીઓને ‘શક્ય સલામત જોબ’ આપવા જણાવાયુ છે. બીજી તરફ જે લોકો ઘરેથી કામ કરી શકે તેમ હોય તેમણે ઘરેથી કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. બોરીસ જ્હોન્સન આ યોજના ગુરુવારે કરવાના હતા પરંતુ વ્હાઇટહોલમાં કામના આકરા ભારણને કારણે જાહેરાત મોડી પડી હતી.
હાલના આકરા લોકડાઉન આદેશોને પગલે દેશને રોજના 2 બિલીયન પાઉન્ડનો ખર્ચ થઇ રહ્યો છે. જેને કારણે મિનીસ્ટર્સ ભારે દબાણ હેઠળ છે. જ્હોન્સન પ્રવચનમાં કોરોનાવાયરસની રસી વિકસાવવા માટેની રેસ અંગે પણ માહિતી આપશે.
ડીફેન્સ સેક્રેટરી બેન વૉલેસે એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ‘કોરોનાફોબિયા’ અર્થતંત્રને ફરીથી પાટે લાવવાના પ્રયત્નોમાં અવરોધ લાવી શકે છે. પોલ સૂચવે છે કે લોકો કામ પર પાછા ફરવા બાબતે ગભરાઇ રહ્યા છે. હું દ્રઢપણે માનું છું કે જનતા મૂર્ખ નથી. તેઓ સલાહ વાંચે છે અને મીડિયાને સાંભળે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને આગળ વધવા માટે સમર્થ થઈશું.’
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના વિશ્લેષણ મુજબ, કોરોનાવાયરસથી વિશ્વભરમાં 246,000થી વધુ લોકો મોતેને ભેટ્યા છે. શનિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં યુકેમાં કોરોનાવાયરસના કારણે હોસ્પિટલો, કેર હોમ્સ અને વિશાળ સમુદાયમાં કુલ મળીને 28,446 લોકો મૃત્યુ પામ્યા હતા. ટેસ્ટની સંખ્યા ઘટીને 76,496 થઈ જતા સરકારને નવા દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.
કેબીનેટ મિનીસ્ટર માઇકલ ગોવે રવિવારે રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી આપણા પાસે રસી નહિ હોય ત્યાં સુધી અને મને શંકા છે કે વાયરસની પ્રકૃતિના કારણે આપણે અમુક અંશે અવરોધ સાથે જીવવુ પડશે. પરંતુ અમે શક્ય હોય ત્યાં સુધી લોકોનું જીવન શક્ય હોય તેટલુ સામાન્ય બનાવવા માંગીએ છીએ. આ માટે સરકાર લોકડાઉન પ્રતિબંધોને દૂર કરવા માટે ‘તબક્કાવાર અભિગમ’ અપનાવે છે.
- એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને યુનિવર્સિટીઓને કોરોનાવાયરસ સંકટ સમયે મદદ કરવા લગભગ 3 બિલીયન પાઉન્ડના સપોર્ટ પેકેજની જાહેરાત કરી છે.
- કોરોનાવાયરસનો ફેલાવો શોધી કાઢવા માટે એક સ્માર્ટફોન એપ્લિકેશનને આ અઠવાડિયે આઇલ ઑફ વાઇટ ખાતે અજમાવવામાં આવ્યુ હતુ અને મહિનાના અંતે દેશભરમાં તેનો ઉપયોગ કરાશે
- એડિનબરામા વૈજ્ઞાનિકો દ્વારા નવી ‘ઝડપી અને સચોટ’ કોરોનાવાયરસ એન્ટિબોડી ટેસ્ટ વિકસાવવામાં આવ્યો છે.
- હિથ્રો એરપોર્ટે ચેતવણી આપી છે કે પ્રવાસીઓએ ફ્લાઇટ્સમાં બેસવા એક કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહેવુ પડશે.
- જ્હોન્સને એક સમયે એવો ભય પણ વ્યક્ત કર્યો હતો કે તે તેમના પુત્ર વિલ્ફ્રેડનુ મોઢુ જોઇ નહિ શકે.