સુરતમાં કડોદરા રોડના વરેલી ગામ પાસે પરપ્રાંતિય મજૂરોએ વતન જવાની જીદ સાથે વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે, પથ્થરમારો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતૂ. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીયો વતન જવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતાં. એક હજારથી વધુ લોકોનું ટોળુ રસ્તા પર આવ્યા બાદ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. આ સાથે જ આ ટોળાએ રસ્તા પરનાં વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ અંગેની જાણ થતા પલસાણા કડોદરા બારડોલીની પોલીસ ઘટના સ્થળે આવી ગઇ હતી. પહેલા તો પોલીસે આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ લોકો ન માનતા સ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયર ગેસનાં સેલ છોડવાની ફરજ પડી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.