અમેરિકાના વિદેશ સચિવ માઈક પૉમ્પિયોએ રવિવારે દાવો કર્યો છે કે, એ વાતના ઘણા પૂરાવા છે કે, કોરોના વાયરસ ચીનના વુહાનની લેબમાં જ પેદા થયો હતો. ન્યૂઝ ચેનલ ABC સાથે ‘ધીસ વીક’ શોમાં પૉમ્પિયોએ આ દાવો કર્યો. તેમણે વાયરસતી નિપટવાના ચીનના વલણની પણ ટીકા કરી. જોકે, તેમણે એ વાતનો કોઈ જવાબ આપ્યો નથી કે, શું આ વાયરસને જાણી જોઈને છોડવામાં આવ્યો હતો કે કેમ.
પૉમ્પિયોએ એબીસીને કહ્યું કે, એ વાત સાથે અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સહમત છે કે, વાયરસ જેનિટિકલી મૉડિફાઈડ અથવા માણસ દ્વારા બનાવવામાં આવ્યો નથી. જોકે, તેમણે આગળ કહ્યું કે, એ વાતના મોટા અને ઘણા પૂરાવા છે કે, વાયરસ વુહાનની લેબમાંથી જ નીકળ્યો છે. તેમણે કહ્યું કે, દુનિયામાં ઈન્ફેક્શન ફેલાવવા અને નીચલી ગુણવત્તાની લેબ ચલાવવાનો ચીનનો ઇતિહાસ રહ્યો છે.
તેમણે કહ્યું કે, ચીને જે રીતે કોરોના પર પડદો નાખવાના પ્રયત્નો કર્યો તે કૉમ્યુનિસ્ટોનું ખોટી જાણકારી ફેલાવવાના પ્રયત્નનું ઉદાહરણ હતું જેનાથી મોટો ખતરો પેદા થઈ શકે છે. ચીન ઉપર અમેરિકા શરૂઆતથી એ વાતનો આરોપ લગાવતું રહ્યું છે કે, કોરોના વાયરસ વિશે તેણે દુનિયાને મોડેથી જાણકારી આપી અને પોતાને ત્યાં પણ વાયરસ ફેલાતો રોકવામાં વિલંબ કર્યો.