મુસ્લિમો અને ઇસ્લામ વિશે ટ્રેવર ફિલિપ્સની ભૂતકાળની ટિપ્પણીઓને પગલે વંશીય લઘુમતીઓ પર કોરોનાવાયરસની અસરની સમીક્ષા માટે ટ્રેવર ફિલિપ્સની નિમણૂક અંગે સર કૈર સ્ટાર્મરે સરકાર પાસે સમીક્ષાની માંગ કરી છે.
એન્ટીરેસીઝમ કેમ્પેઇનર અને ઇક્વાલીટી અને હ્યુમન રાઇટ્સ કમિશનના ભૂતપૂર્વ વડા ટ્રેવર ફિલિપ્સને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) દ્વારા કરાનાર સમીક્ષામાં મદદ કરવા માટે ગયા અઠવાડિયે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા તપાસ કરવામાં આવશે કે શા માટે શ્યામ અને વંશીય લઘુમતીના લોકો વાયરસથી અપ્રમાણસર અસરગ્રસ્ત દેખાય છે.
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ઇંગ્લેંડ અને વેલ્સના દર દસ લોકોમાંથી એક શ્યામ અથવા એશિયન છે. પરંતુ નેશનલ ઓડીટ અને રીસર્ચ સેન્ટરના આંકડા મુજબ ગંભીર રીતે બીમાર કોરોનાવાયરસ દર્દીઓમાં 34.5 ટકા લોકો વંશીય લઘુમતીના હતા.
તેમની નિમણૂંકને 16 શ્યામ અને લઘુમતી વંશીય ડોકટરોના જૂથો અને મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટને વખોડી હતી. ઇસ્લામોફોબીયાના આરોપોને લીધે ફિલીપ્સને લેબર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. તેમણે રોધરહામ જેવા નગરોમાં પાકિસ્તાની મુસ્લિમ પુરુષો પર બાળકોનુ જાતીય શોષણ કરવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને રીમેમબરન્સ સન્ડેના રોજ મુસ્લિમો પોપીઝ નહિ પહેરતા હોવા અંગે ટીકા કરી હતી. પોતાના સસ્પેન્શનને તેમણે “વ્યાજબી ચર્ચા બંધ કરવાનો” પ્રયાસ ગણાવ્યો હતો.
તેમની નિમણૂકની કર્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ બેરોનેસ વારસી અને લેબર સાંસદ નાઝ શાહે ટીકા કરી હતી અને “પોતાનો જીવ ગુમાવનારા અસંખ્ય મુસ્લિમોનુ અપમાન” ગણાવ્યું હતું.