લેબર પક્ષના વડા તરીકે કૈર સ્ટાર્મરની વરણી બાદ લેબર ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા (LFIN)ની એક્ઝિક્યુટિવ ટીમના સદસ્યોએ બ્રિટિશ ભારતીય સમુદાય સાથેનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા, મૂલ્યોને વહેંચવા અને યુકે-ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવા અંગે મુલાકાત કરી ચર્ચા કરી હતી. કૈર સ્ટાર્મર અને લેબર ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડીયા દ્વારા (LFIN) સંયુક્ત પ્રેસ નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ. લેબર પાર્ટીએ પોતાના વલણમાં નોંધપાત્ર ફેરફારની ઘોષણા કરતા જણાવ્યું છે કે તે કાશ્મીરમાં અથવા ભારતના કોઈપણ બંધારણીય મામલામાં દખલ નહીં કરે.
કૈર સ્ટાર્મરે ભારતીય પૃષ્ઠભૂમિના વધુ લોકોને વેસ્ટમિંસ્ટર અને સ્થાનિક સરકારમાં ચૂંટાયેલા હોદ્દાઓ માટે ઉભા રહેવા પ્રોત્સાહિત કરવા LFIN સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું.
કૈરે જણાવ્યુ હતુ કે, ‘’ભારતીય મૂળના બ્રિટનના લોકો યુકે અને લેબર પાર્ટીમાં ખૂબ જ યોગદાન આપે છે. હું ભારતીય સમુદાય સાથેના વિશ્વાસને ફરીથી બનાવવા માટે લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડીયા સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. આપણે અહીં ઉપખંડના મુદ્દાઓને સમુદાયોમાં વિભાજીત કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ભારતના કોઈપણ બંધારણીય મુદ્દાઓ એ ભારતીય સંસદ માટેનો મુદ્દો છે અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન માટે શાંતિપૂર્ણ રીતે નિરાકરણ લાવવાનો દ્વિપક્ષીય મુદ્દો છે. લેબર એક આંતરરાષ્ટ્રીયવાદી પાર્ટી છે અને તે સર્વત્ર માનવ અધિકારના સંરક્ષણ માટે ઉભી રહે છે.’’
‘’મારા નેતૃત્વ હેઠળની લેબર સરકાર ભારત સાથે વધુ મજબૂત વ્યવસાયિક જોડાણો બનાવવા અને ક્લાયમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર વૈશ્વિક મંચ પર સહકાર આપવા સંકલ્પ કરશે. હું લેબર પાર્ટી અને ભારતના લોકો વચ્ચે નવી વાતચીત શરૂ કરવા માટે યોગ્ય સમયે ભારતીય હાઈ કમિશ્નરને મળવાની આશા રાખુ છું.’’
લેબર ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયાના કો-ચેર અને લંડનના ડેપ્યુટી મેયર ઓફ બિઝનેસ રાજેશ અગ્રવાલે કહ્યું હતું કે ‘’હું કૈર સ્ટાર્મરને નેતા તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. હું લેબર પાર્ટી અને ભારતીય સમુદાય વચ્ચે મજબૂત જોડાણો ફરીથી બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનું ખરેખર સ્વાગત કરું છું. આ એક સરસ શરૂઆત થઇ રહી છે અને થોડા અઠવાડિયાના ટૂંકા ગાળામાં કૈરે ઘણું હાંસલ કર્યું છે. લેબર ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા તેમની સાથે નજીકથી કાર્ય કરશે અને યુકે-ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે સમુદાયમાંથી ઉભા થતા કોઈપણ મુદ્દાઓ નેતાગીરી સુધી લઇ જવાનું ચાલુ રાખશે.’’
ભારતના હાલના હાઇકમિશ્નર રૂચિ ઘનશ્યામ ગુરુવારે નિવૃત્ત થયા છે અને ફ્લાઇટ્સ ફરી શરૂ થાય ત્યાં સુધી તેઓ યુકેમાં રોકાશે. એક ભારતીય રાજદ્વારીએ જણાવ્યું હતું કે, કૈર સાથે બેઠક ગોઠવવામાં આવી હતી પરંતુ હવે થોડા સમય માટે કોઈ હાઈ કમિશ્નર નથી તેવા સંજોગોમાં રાહ જોવી પડશે.
વંશીય લઘુમતીઓ પર કોવિડ-19ના પ્રભાવ અંગે લેબરની સમીક્ષા માટે હિન્દુ સંગઠનોને આમંત્રણ ન આપવા બદલ રોષ ફેલાયા બાદ ગુરૂવારે કૈર સ્ટાર્મરે હિન્દુ કાઉન્સિલ યુકે (એચસીયુકે) અને હિંદુ ફોરમ ઑફ બ્રિટન (એચએફબી)ના નેતાઓ સાથે ટેલિકોન્ફરન્સ કરી હતી.
એચ.સી.યુ.કે.ના જનરલ સેક્રેટરી, રજનીશ કશ્યપે TOIને જણાવ્યુ હતુ કે “આ બેઠક ખૂબ જ સારી રીતે ચાલી હતી. તેઓ લેબર પાર્ટી અને હિન્દુ સમુદાય વચ્ચેના સંબંધોને ફરીથી બનાવવા માંગે છે. અમે આગળ જતા BAME પરની કોવિડની અસર અંગેની તેમની સમીક્ષાનો ભાગ બનીશું.”
હિન્દુ ફોરમના અધ્યક્ષ, તૃપ્તિ પટેલે સ્ટાર્મરને ભારતીય હાઈ કમિશનની બહાર થયેલા હિંસક વિરોધ પ્રદર્શન અને તેમાં કેટલાક લેબર રાજકારણીઓએ લીધેલા ભાગ અને કાશ્મીર પર તેમના મંતવ્યોની યાદ અપાવી હતી. પટેલે જણાવ્યું હતું કે “તેમણે સ્વીકાર્યું હતુ કે સમુદાયની આ અંગે માફી મંગાવી જોઇએ.’’
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીન તેમની પાર્ટીની ફાર-લેફ્ટ વિચારધારાને અનુસર્યા હતા અને ભારતીય ડાયસ્પોરાને તેઓ બ્રિટિશ પાકિસ્તાની સમુદાયની તરફેણ કરી રહ્યા છે તેમ જણાયુ હતુ. ગયા વર્ષે લંડનમાં ભારતીય હાઇ કમિશનની બહાર કેટલાક લેબર સાંસદો હિંસક વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને લેબર કોન્ફરન્સમાં સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરના લોકોને આત્મનિર્ધારણનો હક અપાવવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન થાય છે અને મોટુ સંકટ ઉભુ થયુ છે તેવો દેખાવ કરી ઠરાવ પાસ કર્યો હતો.”