રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સ્વીકાર્યું છે કે, દેશમાંથી ભાગેડુ જાહેર કરાયેલા મેહુલ ચોક્સી સહિત 50 જેટલા ભારતીય બેંક્સના કસુરવાર દેવાદારો પાસેથી બાકી લેણાની અંદાજે રૂ. 68,067 કરોડની રકમ માફ કરી છે. આ 50 વિલફુલ ડિફોલ્ટર્સ આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, જ્વેલર્સ, ફાર્મા સહિત અર્થતંત્રના અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા છે. આ વિલફુલ ડીફોલ્ટર્સની યાદીમાં બાબા રામદેવ અને તેમના સાથી બાલકૃષ્ણની માલિકીની રૂચી સોયા કંપનીનો પણ સમાવેશ થાય છે, તે કંપનીએ બેંકોના રૂ. 2212 કરોડ ડૂબાડ્યા છે.
આરટીઆઇ કાર્યકર્તા સાકેત ગોખલેએ જણાવ્યું છે કે, આરટીઆઇ કાયદા મુજબ રીઝર્વ બેન્ક પાસેથી 50 વિલફુલ ડિફોલ્ટર્સની યાદી અને તેમણે લીધેલી લોનની 16 ફેબ્રુઆરી સુધીની સ્થિતિ અંગે માહિતી માગી હતી. તેણે આ આરટીઆઇ એટલા માટે દાખલ કરી હતી કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે 16 ફેબ્રઆરીના રોજ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ સંસદમાં આપવાનો ઇન્કાર કર્યો હતો.
આ આરટીઆઇનો જવાબ આપી RBIના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર અભય કુમારે તે કરી બતાવ્યું છે જે સરકાર ન કરી શકી. 24 એપ્રિલે આપેલી માહિતીમાં RBIએ જણાવ્યું છે કે આ રકમ 30 સપ્ટેમ્બર 2019 સુધી માફ કરવામાં આવી છે. ગોખલેએ જણાવ્યું હતું કે, આરબીઆઇએ સુપ્રીમ કોર્ટના ડિસેમ્બર 2015ના ચૂકાદાના અનુસંધાનમાં વિદેશી દેવાદારોની માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.
મોટા ડિફોલ્ટરોમાં મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ (રૂ. 5492 કરોડ), આ ઉપરાંત ગિલી ઇન્ડિયા લિમિટેડ અને નક્ષત્ર બ્રાન્ડ્સનું અનુક્રમે રૂ. 1447 કરોડ અને રૂ. 1,109 કરોડનું દેવું છે. ચોક્સી અત્યારે એન્ટીગ્વા અને બારબાડોઝ આઇલેન્ડના નાગરિક છે અને તેમનો ભત્રીજો અને ભાગેડુ નીરવ મોદી અત્યારે લંડનમાં છે. દેવાદારોની યાદીમાં બીજા સ્થાને આરઇઆઇ એગ્રોનું નામ છે, જેનું દેવુ રૂ. 4,314 કરોડ છે.
આ કંપની ડાયરેક્ટર્સ સંદીપ અને સંજય ઝુનઝુનવાલા એક વર્ષથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની તપાસ હેઠળ છે. હીરાના વેપારી જતીન મહેતાની વિન્સમ ડાયમંડ એન્ડ જ્વેલરી છે, જેના પર રૂ. 4, 076 કરોડનું દેવું છે. આ ઉપરાંત કાનપુરની રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ પર રૂ. 2, 850 કરોડ, પંજાબની કુડોસ કેમી રૂ. 2, 326 કરોડ, બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની ઇંન્દોર સ્થિત રૂચિ સોયા રૂ. 2, 212 કરોડનું દેવુ છે.
18 કંપનીઓ એવી છે જે રૂ. એક હજાર કરોડથી વધુનું દેવુ ધરાવે છે, જેમાં અમદાવાદના હરીશ આર. મહેતાની ફોરેવર પ્રેસિયશ જ્વેલરી એન્ડ ડાયમંડ્સનું દેવુ રૂ. 1,962 કરોડ અને ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાની બંધ થયેલી કંપની કિંગફિશર એરલાઇન્સના રૂ. 1,943 કરોડના દેવાનો સમાવેશ થાય છે. જ્યારે 25 કંપનીઓ એક હજાર કરોડ રૂપિયાથી ઓછું દેવુ ધરાવે છે.