સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે બાબરા અને જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બાબરાના કોટડાપીઠા, પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. તલી, મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં 40 ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.