સાઉથ એશિયન મૂળના અસંખ્ય દર્દીઓ, ડોકટરો, નર્સો અને કેરર લોકોના મૃત્યુનો દર વધી રહ્યો છે ત્યારે કોવિડ-19થી વધતી જતી જાનહાનીથી બચવા સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા અને તેની તાકીદે તપાસ કરવા માટે અડધો ડઝનથી વધુ ટોચની તબીબી સંસ્થાઓ અને સીનીયર્ર ડોક્ટરોએ માંગ કરી છે. ઘણા લોકોને ડર છે કે મિનીસ્ટર્સ વંશીય લઘુમતીઓને અસર કરતી આ કટોકટીના કદને પારખવામાં ગંભીર ગેરસમજ કરી રહ્યા છે અને આ ‘જીવન અને મરણનો સવાલ છે’. વાયરસથી મૃત્યુ પામેલા એનએચએસ સ્ટાફના ત્રીજાભાગના લોકો વંશીય લઘુમતી જૂથોના છે અને એનએચએસ કન્ફેડરેશનના અધ્યક્ષ લોર્ડ એડેબોલેએ કહ્યું છે કે આ મોત આઇસબર્ગની ‘ટીપ’ સમાન હોઈ શકે છે.
મેઇલ ઓન સન્ડે દ્વારા જાહેર કરાયા મુજબ, કોવિડ-19થી મૃત્યુ પામેલા કુલ 26 ડૉક્ટરોમાંથી 25 અને એનએચએસ સ્ટાફના 66 ટકા લોકો વંશીય લઘુમતી જૂથોના છે. કોવિડ-19 કરાણે ઇન્ટેન્સીવ કેર યુનિટમાં સારવાર લઇ રહેલા લોકોમાથી ત્રીજા ભાગના લોકો શ્યામ અથવા એશિયન દર્દીઓ છે. જેની સામે તેમની વસતી યુકેમાં માત્ર 13 ટકા છે. મૃત્યુ પામેલા 35 નર્સો અને 27 હેલ્થકેર સપોર્ટ વર્કર્સથી બે તૃતીયાંશ શ્યામ, એશિયન અથવા અન્ય વંશીય જૂથોના છે. કેટલાકના મતે આ આંકડાઓ હિમશીલાની ટોચ સમાન છે અને સમુદાયમાં ટેસ્ટનો અભાવ તેમ જ મૃત્યુના પ્રમાણપત્રો પર વંશીયતાની નિયમિતપણે નોંધ કરવામાં આવતી નથી.
આ મહિનાની શરૂઆતમાં, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કહ્યું હતું કે તે શ્યામ અને એશિયન લોકોની બીમારી અને મૃત્યુના ઉંચા દરની સમીક્ષા કરશે. શુક્રવારે તા. 24ના રોજ પૂર્વ ઇક્વાલીટી વોચડોગ ચીફ ટ્રેવર ફિલિપ્સ તપાસની આગેવાની કરશે તેમ જાહેર થયુ હતુ પરંતુ તે તપાસમાં શું કામ આવશે અથવા કેટલો સમય લાગશે તે અંગે કોઈ વિગતો બહાર આવી નથી. બેરોનેસ ડોરેન લોરેન્સના નેતૃત્વમાં લેબરે પણ પોતાની તપાસની જાહેરાત કરી છે.
પરંતુ ગુસ્સે થયેલા સ્ટોક ઑન-ટ્રેન્ટના જી.પી. અને લગભગ 2,500 ફ્રન્ટલાઈન એનએચએસ તબીબોનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટીશ ઇન્ટરનેશનલ ડૉક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ, ડૉ. ચંદ્ર કન્નેગંટીએ તા. 27ની રાત્રે જણાવ્યું હતું કે, ‘સરકારને તાત્કાલિક આની તપાસ માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાની આવનારા થોડા દિવસોમાં જ જરૂર છે, અઠવાડિયા કે મહિનાઓમાં નહીં. શ્યામ એશિયન અને વંશીય લઘુમતી જૂથોના ડોકટરો વિના, કોવિડ-19 કટોકટીને કારણે એનએચએસ તૂટી ગયું હોત. તેમ છતાં જ્યારે કેટલાકને ચેપનું જોખમ વધતુ હોય ત્યારે તેમને ફન્ટ લાઈનમાં સેવા આપવાનું કહેવું એ આત્મહત્યા કરવા કહેવા જેવું છે.’’
બ્રિટિશ મેડિકલ એસોસિએશનના નેતા ડૉ. ચંદ નાગપૌલે ચેતવણી આપી હતુ કે ‘આ આંકડા એટલા અસ્પષ્ટ છે કે આપણે તેમને અવગણવું પોસાય તેમ નથી. કોવિડ-19 ચેપના જોખમ સામે એનએચએસ કામદારોને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. BAME મેડિક્સ જોખમી પરિબળો સામે સુરક્ષિત હોવા જોઈએ. મેં એવા અહેવાલો સાંભળ્યા છે કે કેટલીક હોસ્પિટલો તેમને કોવિડ-19 ફ્રન્ટ લાઇનથી અલગ બીજી ભૂમિકાઓ પર મૂકી રહી છે. તે સારા સમાચાર છે પરંતુ વધુ વ્યવસ્થિત રાષ્ટ્રીય અભિગમની જરૂર છે.’’
એનએચએસ કન્ફેડરેશનના અધ્યક્ષ લોર્ડ એડેબોલેએ સરકારને તપાસ માટેની મુદત પર સંમત થવાની માંગ કરતા જણાવ્યુ હતુ કે ‘’પુરાવા જણાવી રહ્યા છે કે BAME પૃષ્ઠભૂમિના ફ્રન્ટલાઈન હેલ્થ અને સોશ્યલ કેર કામદારો અસામાન્ય રીતે અસરગ્રસ્ત છે અને કોરોનાવાયરસથી હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ આઇસબર્ગની ટોચ બરોબર હોઇ શકે છે કેમ કે અમને હોસ્પિટલોની બહાર શું થઈ રહ્યું છે તે વિશે જાણ નથી. આ BAME સમુદાયોના ફ્રન્ટલાઈન સ્ટાફ માટે જીવન અને મરણની બાબત છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેમના મૃત્યુ પાછળનાં પરિબળો અને જોખમોને ઘટાડવા માટે હવે અને ભવિષ્યમાં શું કરી શકાય છે તે જાણવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.’’
દેશની અગ્રણી મેડિકલ રોયલ કોલેજો પણ શ્યામ અને એશિયન લોકોના મૃત્યુની તપાસને પ્રાથમિકતા આપવા સરકારને વિનંતી કરી રહી છે. તેઓ ઇચ્છે છે કે સરકાર તરત જ NHS ટ્રસ્ટ્સની હોસ્પિટલમાં દાખલ દરેક કોવિડ-19 દર્દી તેમજ મૃત્યુ પામેલા લોકોની વંશીય પૃષ્ઠભૂમિની નિયમિત નોંધ કરે. જેથી વૈજ્ઞાનિકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને તેના નિરાકરણમાં મદદ મળે.
રોયલ કૉલેજ ઑફ ફિઝિશિયને સ્વીકાર્યું હતુ કે કોઈપણ તપાસ પડકારજનક હશે, કેમ કે તેમાં વ્યક્તિગત કેસો વિશેની વિગતવાર માહિતીનો સમાવેશ કરવામાં આવતો નથી. તેના પ્રવક્તાએ કહ્યું હતુ કે ‘આ મુદ્દા પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે વયની જેમ જ વંશીયતાને પણ જોખમનું પરિબળ માનવું જોઈએ.’’
રોયલ કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ અને ગાયનેકોલોજિસ્ટ્સના અધ્યક્ષ ડો. એડવર્ડ મોરિસે કહ્યું હતુ કે ‘આ આશ્ચર્યજનક ભિન્નતા કેમ છે તે શોધવા માટે આપણે બધાંએ મોતની નોંધણી અને વિશ્લેષણ કરવું જોઈએ. અમે પહેલેથી જ જાણીએ છીએ કે અમુક વંશીય જૂથોની સ્ત્રીઓમાં સ્વાસ્થ્યની પૂર્વ પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓ હોવાની સંભાવના વધારે હોય છે.’
રોયલ કોલેજ ઑફ જી.પી.ના અધ્યક્ષ પ્રોફેસર માર્ટિન માર્શલે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને ઝડપથી કામ કરવા વિનંતી કરી હતી. જ્યારે રોયલ કોલેજ ઑફ સર્જન ઑફ ઇંગ્લેન્ડે કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે બધા ઉપલબ્ધ ડેટા એક સાથે મેળવવા જોઈએ. રોયલ કૉલેજ ઑફ નર્સિંગે 40 ટકા જેટલી નર્સ કેટલાક વિસ્તારોમાં વંશીય લઘુમતીઓની હોવા છતાં આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના પૂર્વ સચિવ અને હેલ્થ સિલેક્શન કમિટીના અધ્યક્ષ જેરેમી હન્ટ સંપર્ક બાદ આ મુદ્દે મૌન રહ્યા હતા.
યુવાન શ્યામ અને એશિયન ડોકટરોને ભય છે કે આ મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર હોવા છતાં સંસ્થાકીય જાતિવાદને કારણે તેના પર ધ્યાન આપવામાં આવશે નહીં.
બર્મિંગહામ કમ્યુનિટિ હોસ્પિટલના સમાનતા, વિવિધતા અને માનવાધિકારના વડા, કેરોલ કૂપરે નર્સિંગ ટાઇમ્સ સાથેની મુલાકાતમાં કહ્યું હતુ કે ‘કેટલીક વંશીય લઘુમતીની નર્સ કહે છે કે તેમના સામાન્ય વોર્ડમાંથી ઉઠાવીને કોવિડ વોર્ડમાં મૂકવામાં આવે છે. તેમને લાગે છે કે ત્યાં પૂર્વગ્રહ અપનાવાય છે. તેથી ઘણા ગભરાય છે.’
વૈજ્ઞાનિકો માને છે કે ‘’સાંસ્કૃતિક, આર્થિક અને સંભવત આનુવંશિક પરિબળોના જટિલ મિશ્રણને કારણે BAME લોકોને વધુ ચેપ લાગે છે. ભારત, શ્રીલંકા અથવા પાકિસ્તાનના લોકોમાં આનુવંશિક વલણને કારણે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે. લંડન અને બર્મિંગહામ જેવા મોટા શહેરોના ગરીબ લોકો વધુ ગીચ ઘરોમાં રહેવાનું વલણ ધરાવે છે, મોટાભાગે વિસ્તૃત પરિવાર સાથે રહે છે જ્યાં વાયરસ ફેલાવાની શક્યતા વધારે હોય છે. વળી બસ ડ્રાઈવરો, ક્લીનર્સ અથવા સુપરમાર્કેટ વર્કરની નોકરીઓમાં વાયરસના સંક્રમણનુ મોટું જોખમ હોય છે.