ગુજરાતમાં કોરોના વાયરસ ઘણા દિવસથી બેવડી સદી ફટકારી રહ્યો છે તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યમાં મંગળવાર રાત સુધીમાં કોરોના વાયરસે નવા 226 કેસ નોંધાયા છે. આ સાથે જ 40 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 164, આણંદમાં 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 9, સુરતમાં 14, વડોદરામાં 15 કેસ નોંધાયા છે.આજે 40 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 34 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 19 લોકોના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3774 દર્દી નોંધાયા છે અને 434 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક 181એ પહોંચ્યો છે.
સુરતમાં કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા 573 થઈ છે. તો કુલ 19 લોકોના મોત થયા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં 21 કેસ નોંધાયા છે. ત્યારે 19 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. કોરોનાએ ગુજરાત પર મજબૂત રીતે સકંજો કસ્યો છે તેમાં ય અમદાવાદમાં પરિસ્થિતી વધુ વણસી છે. રાજ્યમાં વધતાં કેસો અને મૃત્યુઆંકને જોતાં કોરોનાએ ભયાવહ રુપ ધારણ કર્યું હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે.
સમગ્ર રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ સૌથી વધુ કેસો અને મૃત્યુ થઇ રહ્યાં છે સાથે સાથે રાજ્યનાં અન્ય શહેરો સુરત અને વડોદરામાં પણ કેસોની સંખ્યામાં યથાવત રીતે ચાલું છે. આ કારણે મુખ્ય શહેરોમાં કોરોના બેકાબુ બન્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર હાલ વર્તાઈ રહ્યો છે.સામાન્ય લોકોની સાથે જ પોલીસજવાનોમાંથે કોરોના વાયરસ કાળ બનીને આવ્યો છે. પોલીસ બેડામાં આ ખબરથી હડકંપ મચી ગયો છે.
અમદાવાદમાં કુલ 50 SRPના જવાનોમાં કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે. અગાઉ 17 જવાનોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યાર બાદ આજે વધુ 33 જવાનોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમદાવાદમાં કોરોના વાયરસના કારણે સ્થિતી કાબૂ બહાર જતાં ગોધરાથી બંદોબસ્તમાં આવેલા જવાનો કોરોનામાં સપડાયા છે. કુલ 50 એસઆરપી જવાનો કોરોનાગ્રસ્ત થતાં બીજા 59 જવાનોને ક્વોરન્ટાઈન કરાયા છે.
આ બંદોબસ્તમાં કુલ 109 જવાનો ફરજ પર હતા, એટલે કહી શકાય કે, અડધો અડધો જવાનો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કોરોનાની મહામારીમાં અમદાવાદમાં અગાઉ પોલીસ અધિકારી તથા કર્મચારી મળી કુલ 92 જણાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
જ્યારે તેમની સાથે ફરજ બજાવતા કુલ 479 પોલીસ કર્મચારીઓને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે, 13 પોઝિટીવ પોલીસ કર્મચારીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. બીજી તરફ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા તેમના પત્ની અને બે દિકરીનો પણ રિપોર્ટ પોઝિટીવ આવતાં પરિવારના સભ્યો સારવાર હેઠળ છે.