કોરોનાએ ગુજરાત પર મજબૂત રીતે સકંજો કસ્યો છે તેમાં ય અમદાવાદમાં પરિસ્થિતી વધુ વણસી છે. રાજ્યમાં વધતાં કેસો અને મૃત્યુઆંકને જોતાં કોરોનાએ ભયાવહ રુપ ધારણ કર્યું હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. આખાય રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ સૌથી વધુ કેસો અને મૃત્યુ થઇ રહ્યાં છે પરિણામે શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યભરમાં કુલ 247 નવા કેસો નોંધાયા હતાં જેથી ગુજરાતમાં કુલ કેસોનો આંકડો 3548 થયો છે. આ ઉપરાંત કોરોનાએ વધુ 11નો ભોગ લીધો હતો જેના કારણે મૃત્યુઆંક વધીને 162 થયો છે.
ગુજરાતમાં કોરોના ના સૈાથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ તો જાણે કોરોનાના બોમ્બ પર બેઠુ હોય તેવુ લાગી રહ્યુ છે.રાજ્યમાં આજે શહેરોમાં જ કોરોના પ્રસરી રહ્યો છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં હજુય કોરોના કાબુમાં રહ્યો છે. અમદાવાદમાં તો ગીચ વસતી,લોકડાઉનનું ઉલ્લંઘન,શહેરીજનોમાં જનજાગૃતિનો ભારોભાર અભાવ જેવા કારણોને લીધે કોરાના કોપાયમાન બન્યો છે. ગુજરાતમાં નોંધાયેલાં કુલ કેસો પૈકી 60 ટકા કેસો તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. જયારે આખા રાજ્યમાં કોરાનાના કારણે થયેલાં કુલ મૃત્યુમાં 70 ટકા મૃત્યુ માત્ર અમદાવાદમાં થયાં છે. આ જોતાં અમદાવાદમાં કોરોના કેટલો બેકાબુ બન્યો છે તેનો અંદાજ કરી શકાય છે.
આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે,આજે પણ અમદાવાદમાં 24 કલાકમાં જ 197 કેસો નોંધાયા હતાં. શહેરમાં કાલુપુર, દરિયાપુર, દાણિલિમડા, બાપુનગર, સરખેજ, વટવા, દુધેશ્વર, શાહઆલમ, જમાલપુર અને અસારવા સહિતના વિસ્તારોમાં કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત સુરતમાં 30 કેસ,આણંદમાં 2, બોટાદમાં 1,ડાંગમાં 1, ગાંધીનગરમાં 5,જામનગરમાં 1, પંચમહાલમાં 3, રાજકોટમાં 1 અને વડોદરામાં 6 એમ કુલ મળીને રાજ્યમાં 247 કેસો નોંધાયા હતાં. આ તરફ, એક દિવસમાં ગુજરાતમાં વધુ 11ના મોત નિપજ્યા હતાં જેમાં અમદાવાદમાં પાંચ દર્દીઓના મોત નિપજ્યાં હતાં.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 109 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આ ઉપરાંત વડોદરામાં એક પ0 વર્ષિય મહિલાનુ ય મોત નિપજ્યુ હતું જયારે સુરતમાં બે સ્ત્રી અને બે પુરુષોના મોત નિપજ્યા હતાં. બનાસકાઠામાં પણ એક 65 વર્ષિય મહિલાનુ મોત થયુ હતું. આ બધાય દર્દીઓમાં મોટાભાગે દર્દીઓ ડાયાબિટીસ,હાયપર ટેન્શન,કિડની- હૃદયની બિમારીથી પિડીત હતાં. ચાર દર્દીઓ એવાં હતાં કે,જે માત્ર કોરાનાના કારણે મોતને ભેટયા હતાં. હવે ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક 162 સુધી પહોંચ્યો છે. કોરોના કેસો અને મૃત્યુ બંને દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યુ છે.
કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગનો દાવો છેકે, ગુજરાતમાં દર્દીઓની રિકવરીનો રેટ વધ્યો છે. આજે પહેલીવાર એવુ બન્યું કે,માત્ર અમદાવાદની સિવિલ,સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલમાંથી કુલ મળીને 72 લોકોને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આણંદમાં 1,ભાવનગરમાં 1,મોરબીમાં 1, નર્મદામાં 1, રાજકોટમાં 1 અને સુરતમાં 4 જણાંને રજા આપવામાં આવી હતી.કોરોનાને મ્હાત આપનારાં 81 જણાંને એક દિવસમાં રજા આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના બની છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 394 દર્દીઓ સાજા થયાં છે. હાલમાં 31 દર્દીઓની સ્થિતી ક્રિટીકલ છે જયારે 2861 દદીઓની સ્થિતી સ્થિર છે.
અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછા ટેસ્ટ થઇ રહયાં છે તેવો વિવાદ ઉઠયો છે ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 53575 ટેસ્ટ કરાયાં છે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન ઉપરાંત જિલ્લાઓમાં 8908 રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યાં છે. હાલમાં આખાય ગુજરાતમાં વિવિધ કવોરન્ટાઇન સેન્ટર પર કુલ 40851 લોકોને કવોરન્ટાઇન કરાયાં છે. એક તરફ, અમદાવાદમાં રોજરોજ કેસ વધી રહ્યાં છે ત્યારે મ્યુનિ.કોર્પોરેશને પણ મેના અંત સુધીમાં કેસોમાં ઘટાડો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.