વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત એવા અમેરિકામાં પોઝીટીવ કેસનો આંકડો 9 લાખની નજીક પહોંચી ગયો છે ત્યારે મૃત્યુ આંક 50,000ને વટાવી જતાં સમગ્ર દુનિયામાં ખળભળાટ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં જ અમેરિકામાં 3176 લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.
વિશ્વભરમાં સૌથી વધુ કોરોના તાંડવ અમેરિકા પર રહ્યું છે. આજે સવારની સ્થિતિએ કોરોના કેસોની કુલ સંખ્યા 8.86 લાખની હતી જયારે મૃત્યુઆંક 50,243 થઇ ગયો છે. વિશ્વભરમાં સૌથી વધુ કોરોના કેસ અને મૃત્યુ અમેરિકામાં જ છે. વિશ્વના 25 ટકાથી વધુ કેસ અમેરિકામાં છે. મૃત્યુઆંકમાં પણ આવી જ પરિસ્થિતિ છે. છેલ્લા 24 કલાકમાં 3176 લોકોએ જાન ગુમાવ્યા છે. રોગચાળાથી માંડીને અર્થતંત્ર સુધી તમામ મોરચે અમેરિકાની હાલત વધુને વધુ ખરાબ બનતી રહી છે.
અર્થતંત્રને પણ મોટો ઝાટકો લાગ્યો છે. દર છ માંથી એક વ્યકિત બેરોજગારીમાં હોમાઇ ચૂકયો છે. બેરોજગારીના અઠવાડીક આંકડા જાહેર થયા છે. તેમાં વધુ 44 લાખ લોકોએ બેકારી ભથ્થુ માંગ્યું છે. છેલ્લા દોઢ મહિનાના આંકડાથી આ રિપોર્ટના આધારે એવુ બહાર આવ્યું છે કે અમેરિકામાં દર છ માંથી એક વ્યકિત બેકાર બની છે. આ પરિસ્થિતિને 1930ના દાયકાની મહામંદી પછીની સૌથી ભયાનક અને ખતરનાક ગણવામાં આવી રહી છે.
કોરોનાનું તાંડવ પણ વધુને વધુ ભયાનક બનતું રહ્યું છે. અમેરિકામાં રીતસર કોરોના તબાહી જ મચી છે. એક અભ્યાસ રિપોર્ટમાં એવુ બહાર આવ્યું છે કે, સૌથી વધુ સંક્રમિત ન્યૂયોર્કમાં વેન્ટિલેટર પર રખાતા 10માંથી 9 કોરોના દર્દીઓના મોત થઇ રહ્યા છે. મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 5700 કોરોના દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 2634 દર્દીઓનો કોરોનાએ શિકાર કરી લીધો છે. એવુ પણ બહાર આવ્યું છે કે 65 વર્ષથી વધુની ઉમરના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આવા 10માંથી 9 લોકોના મોત નિપજયા હતાં.
બીજી તરફ એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, અમેરિકામાં કોરોનાનો પ્રથમ સત્તાવાર કેસ નોંધાયો તેના 3 અઠવાડીયા પૂર્વે જ કેલિફોર્નિયામાં બે વ્યકિતના કોરોનાના કારણે મોત થઇ ગયા હતાં. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાએ પ્રારંભિક સમયમાં કોરોનાના મામલે ગંભીરતા દાખવી ન હતી. આરોગ્ય નિષ્ણાંતો એમ જણાવ્યું છે કે અમેરિકા કોરોનાની ગંભીરતાને સમજવામાં થાપ ખાઇ ગયું હતું અને બહુ મોડે પગલા લેવાનું શરૂ કર્યુ હતું.
કેલીફોર્નિયામાં 57 વર્ષની મહિલાનું મોત 6 ફેબ્રુઆરીએ થયું હતું અને એક 69 વર્ષિય વૃઘ્ધનું મોત 17 ફેબ્રુઆરીએ થયું હતું. આ બંને લોકોના મોત કોરોનાના કારણે જ થયા હોવાનો રિપોર્ટ જાહેર થયો છે. વાસ્તવમાં અમેરિકાએ કોરોનાનો સૌથી પ્રથમ કેસ 29 ફેબ્રુઆરીએ બન્યો હોવાનું જાહેર કર્યુ હતું. તેનો અર્થ એવો થાય છે કે પ્રથમ સત્તાવાર કેસ પૂર્વે 3 અઠવાડીયા અગાઉ જ બે વ્યકિત કોરોનાનો ભોગ બની ગયા હતા. આઘાતજનક બાબત એ છે કે આ બંને વ્યકિતઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હતી. અર્થાત કયાંય પણ પ્રવાસ પણ કર્યો ન હતો.