આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. આ સંદર્ભ માં તેમણે કહ્યું કે 1 એપ્રિલના રોજના 100 ટેસ્ટથી શરુ કરીને 23 એપ્રિલ સુધીમાં રોજના 2963 ટેસ્ટ કરવામાં આવેલા છે. જોકે હોટ સ્પોટ વિસ્તારમાં સંક્રમણ ડામવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગને લીધે 20 એપ્રિલે 4212 સેમ્પલ લેવાયા જેના લીધે લેબમાં બેકલોગ વધી ગયો હતો. આ પછી સ્ટ્રીમલાઈન કરી ક્ષમતા મુજબ ટેસ્ટ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં દરેક જિલ્લાના નાગરિકોને આવા ટેસ્ટથી આવરી લઈ કોરોનાનો વ્યાપ અટકાવવા અપનાવેલા વ્યૂહને પગલે રાજ્યના બધા જિલ્લાઓ માંથી 100 -100 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં 4212 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં આવા ટેસ્ટ માટે 15 સરકારી અને 4 ખાનગી મળીને 19 લેબોરેટરી દરરોજના કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે. આ લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવી ક્ષમતા નિર્માણ પણ કરવામાં આવ્યું છે એમ ડો.જયંતિ રવિ એ જણાવ્યું હતું
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા વધુ એક લેબ ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે એમ પણ તેમણે જણાવ્યુ હતું. આ ઉપરાંત રાજ્યની તમામ મેડિકલ કોલેજમાં પણ લેબને મંજૂરી માટે આઈસીએમઆરને દરખાસ્ત કરી છે. સરકાર વધુને વધુ ટેસ્ટ કરવા માગે છે
આરોગ્ય અગ્ર સચિવે કહ્યુકે રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓ ને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટ નો પણ વ્યાપક ઉપયોગ કરીને રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ જ રીતે પીસીઆર ટેસ્ટ માટે પણ પચાસ હજાર કિટ છે તેનો સપ્લાય કેન્દ્રમાંથી જરૂર મુજબ આવે છે.