કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા અને લૉકડાઉન દરમિયાન દેશમાં પરિસ્થિતિઓ પર ઘણે અંશે નિયંત્રણ મેળવવામાં સરકાર સફળ થઈ છે તેમ ગુરુવારે સ્વાસ્થ્ય અને ગૃહમંત્રાલયે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશના ૧૨ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસમાં જ્યારે ૨૩ રાજ્યોના ૭૮ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦૯ પોઝિટિવ કેસ સામે આવતાં કુલ કેસની સંખ્યા ૨૧,૩૯૩ થઈ ગઈ છે. દેશના અલગ અલગ ભાગોમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૬૮૧ લોકોનાં મોત નીપજ્યાં છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતમાં લૉકડાઉન જેવી ચોક્કસ વ્યૂહરચનાઓની સફળતાના કારણે કોરોનાવાઈરસના કેસોનો વૃદ્ધિદર એકંદરે ધીમો છે અને અમેરિકા તથા બ્રિટન જેવા વિકસિત દેશોની સરખામણીમાં તેની સ્થિતિ ઘણી સારી છે. કેન્દ્રે નોંધ્યું હતું કે દેશમાં કોરોનાવાઈરસનો રીકવરી રેટ પણ વધીને ૨૦ ટકા નજીક પહોંચ્યો છે. દેશમાં કોરોનાના કુલ ૨૧,૩૯૩ દર્દીઓમાંથી ૪,૨૫૭ દર્દી સાજા થયા છે, જેમાં ૩૮૮ દર્દી તો બુધવારે સાજા થયા હતા. દેશમાં લૉકડાઉનના ૩૦ દિવસના આ સમયમાં કોરોનાનો પ્રસાર અટકાવવામાં એકંદરે સફળતા મળી છે.
આઈસીએમઆરે જણાવ્યું હતું કે કોરોના સામેની લડતમાં અમારો મૂળમંત્ર છે જીવન કેવી રીતે બચાવીએ? અમે સતત ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકી રહ્યા છીએ. અમે કોરોના વાઈરસના ટ્રાન્સમિશનમાં કાપ, પ્રસાર ઘટાડવા અને કેસ બમણા થવાનો દર વધારવા માટે સક્ષમ થયા છીએ.
અમે લૉકડાઉનના સમયનો ઉપયોગ ભવિષ્ય માટે પોતાને તૈયાર કરવા માટે કર્યો છે. કોરોના સામેની લડત માટેના એમ્પાવર્ડ ગૂ્રપ-૨ના અધ્યક્ષ અને પર્યાવરણ સચિવ સી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે ૨૩મી માર્ચે સમગ્ર દેશમાં ૧૫,૦૦૦ ટેસ્ટ થયા હતા અને ૨૨ એપ્રિલ સુધીમાં અમે ૫ લાખથી વધુ ટેસ્ટ કર્યા છે. એટલે કે અમે છેલ્લા ૩૦ દિવસમાં ટેસ્ટિંગની ક્ષમતામાં ૩૩ ગણો વધારો કર્યો છે.
જોકે, આ પૂરતું નથી અને અમે ટેસ્ટિંગ હજુ વધારવા પર ભાર મૂક્યો છે. લૉકડાઉનના આ સમયમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ૧૬ ગણો વધારો થયો છે ત્યારે ટેસ્ટિંગમાં ૨૪ ગણો વધારો કરાયો છે. જોકે, દેશ માટે રાહતની બાબત એ છે કે ટેસ્ટિંગમાં ૨૪ ગણો વધારો કરવામાં આવ્યો હોવા છતાં પોઝિટિવ કેસની સંખ્યા વધી નથી.
એક મહિના પહેલાં જે લોકોના ટેસ્ટ થઈ રહ્યા હતા, તેના લગભગ ૪-૪.૫ ટકા પોઝિટિવ નિકળતા હતા અને આજે પણ લગભગ આ જ સ્થિતિ છે. એટલે કે આપણે હાલ લગભગ એક મહિના પહેલાની જ સ્થિતિમાં છીએ. એટલે કે સ્થિતિ હજી બહુ બગડી નથી. તેમણે કહ્યું દેશમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બને તો તેનો સામનો કરવા માટે અમે ૩,૭૭૩ હોસ્પિટલને કોવિડ-૧૯ માટે તૈયાર રાખી છે. કુલ આઈસોલેશન બેડ ૧,૯૪,૦૦૦ છે.
આઈસીએમઆરના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે લૉકડાઉનના પૂરા થવાના સમય એટલે કે ૩ મે સુધીમાં કોરોના વાઈરસ પીક પર પહોંચી જશે કે નહીં તે કહેવું ઘણું મુશ્કેલ છે પરંતુ હાલ તે સ્થિર છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના ટેસ્ટિંગ પોઝિટિવ થવાનો દર ૪.૫ ટકા છે. જોકે, તેના પીક પર પહોંચવા અંગે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.