અમેરિકાએ જનરલ લાયસન્સિંગ સીસ્ટમ હેઠળ પાકિસ્તાનને ન્યુક્લિયર બાયપ્રોડક્ટસની નિકાસ અટકાવી દીધી છે. પાકિસ્તાનનો ટેકનોલોજી અને શસ્ત્રોનો પ્રસારનો ઇતિહાસ ચિંતાજનક હોવાથી તેની ઘણી સરકારી એજન્સી અને ખાનગી કોન્ટ્રાક્ટર્સને બ્લેકલિસ્ટ કરાયા છે. આ અંગેના નિર્ણયની જાહેરાત સરકારી ગેઝેટ- ફેડરલ રજિસ્ટરમાં બુધવારે કરાઈ હતી. જોકે, તેમાં ન્યુક્લિયર સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ મુકાયો નથી પરંતું નિકાસકારો માટે દરેક વખતે મંજૂરી મેળવવાનું ફરજિયાત બનાવ્યું છે.
રેડિયોન્યુક્લાઇડ્સ રેડિયોએક્ટિવ તત્વો છે અને તેનો વ્યાપક ઉપયોગ મેડિસીન સહિતના અનેક ક્ષેત્રોમાં થાય છે. અમેરિકાના ન્યુક્લિયર રેગ્યુલેટરી કમિશન (NRC)એ એક આદેશમાં પાકિસ્તાનને બાયપ્રોડક્ટની નિકાસ અટકાવાઈ હોવાનું જણાવ્યું છે. આથી હવે નિકાસકારો પાકિસ્તાનને આવી સામગ્રીની નિકાસ માટે જનરલ લાયસન્સનો ઉપયોગ કરી શકશે નહીં. હવે તેમને વિશેષ લાયસન્સ મેળવવા માટે એનઆરસીના નિયમો પ્રમાણે ફરજિયાત અરજી કરવી પડશે.
આ સંદર્ભના નિયમો મુજબ જે તે દેશના રેકોર્ડને ધ્યાનમાં લઇને એક્સપોર્ટ લાયસન્સ રદ કરી શકાશે. કમિશન આવા દેશોનું બારિકાઇથી નિરીક્ષણ કરશે અને કંઇ શંકાસ્પદ લાગશે અથવા અસરકારક રીતે બીજું કંઇ અયોગ્ય જણાશે તો જનરલ લાયસન્સમાંથી તે દેશ રદ્દ કરાશે.
અણુ શસ્ત્રો અને સામગ્રીના ગેરકાયદે ઉત્પાદન, પ્રસારનો પાકિસ્તાનનો ઇતિહાસ અમેરિકા સહિત અનેક દેશો માટે મોટી ચિંતાનો વિષય છે. પાકિસ્તાનના ન્યુક્લિયર બોમ્બના નિર્માતા એ ક્યુ ખાને ન્યુક્લિયર બ્લેક માર્કેટની સ્થાપના કરી હતી, તેણે ચોરેલી ટેકનોલોજીથી આ બોમ્બ બનાવ્યો હતો અને પછી તે ઇરાન, લિબિયા અને નોર્થ કોરિયાને આપી હતી અને તે બજાર આજે પણ ધબકતું છે.