વિશ્વભરમાં કોરોનાના 26.38 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1 લાખ 84 હજાર 235 મોત થયા છે. કુલ 7.18 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 8.49 લાખ કેસ નોંધાયા છે. 47 હજાર 681 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અસ્થાયી રીતે ઈમિગ્રેશન સસ્પેન્ડ કરવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના નાગરિકોને નોકરીની તક પહેલા મળે તે માટે તેમણે આ નિર્ણય કર્યો છે. 60 દિવસ પછી તેનો સમયગાળો વધારવો કે નહીં તેનો નિર્ણય લેવાશે.
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝએ કહ્યું કે અમેરિકાએ મહામારીનો સામનો કોઈ ત્રીજા વિશ્વના દેશની જેમ કર્યો. અહીં લોકોને મદદ પહોંચાડનાર સેવા પહોંચી શકી નહીં. અમેરિકાના 14 ટકા લોકો ફૂડ વાઉચરથી મળનાર ભોજન ઉપર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે લોકો બેરોજગારી ભથ્થા માટે આવેદન કરી રહ્યા છે.
સ્વાસ્થ્ય સેવાની અસમાનતા માટે લોકોના જીવ જઈ રહ્યા છે. સરકારની મદદ બેરોજગારીને ભરપાઈ કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. આગામી મહિનાઓમાં બેરોજગારી વધીને 30 ટકા થઈ જશે.
જર્મનીમાં તમામ 16 રાજ્યમાં આગામી સપ્તાહથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે. જોકે બર્લિનમાં શોપિંગ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી નથી. સાથે અહીં વેક્સીનને માણસ ઉપર ટ્રાયલ કરાને મંજૂરી આપી દીધી છે. 18થી 55 વર્ષની લગભગ 200 વ્યક્તિ ઉપર આ ટ્રાયલ કરાશે. જર્મનીમાં કુલ કેસ એક લાખ 50 હજાર 648 અને મૃત્યુઆંક 5,315 થયો છે.
મહામારી સામે લડવા માટે ભારતે નેપાળમાં 23 ટન દવા મોકલી હતી. આ માટે નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ ટ્વિટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનો હું આભાર માનું છું. નેપાળમાં સંક્રમણના 45 કેસ છે, હજુ સુધી કોઈનું મોત થયું નથી. ઈટાલીમાં મોતનો આંકડો 25 હજારને પાર કરી ગયો છે. ઈટાલીમાં ધીમે ધીમે મોતમાં ઘટાડો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા અહીં 534 લોકોના મોત થયા હતા. અહીં કુલ કેસ 1 લાખ 87 હજાર 327 છે અને 25,085 લોકોએ જીવ ગુમાવ્યા છે.