પગલીના પાડનાર બાળકનુ ઘરમાં આગમન થાય ત્યારે તે માસુમના કેટલા બધા લાલનપાલન થાય છે. તેને માટે કપડા, રમકડા અને કંઇ કેટલી બધી તૈયારીઓ કરાય છે. પરંતુ મહાભયાનક કોરોનાવાયરસે યુકે પર આક્રમણ કરતા લેસ્ટરના બર્સ્ટલ ખાતે રહેતા અને મનશા નામની ડાન્સ સ્કૂલ ચલાવતા રૂપા પટેલ (નથવાણી) અને તેમના પતિ જીગ્નેશ પટેલે પોતાના નવજાત પુત્ર અવિરામના રક્ષણ માટે આઇસોલેશનમાં રહેવુ પડે છે.
26 માર્ચના રોજ સી-સેક્શનથી પુત્ર અવિરામને જન્મ આપનાર રૂપા પટેલ એક વખત તો હોસ્પિટલ સ્ટાફે પતિ જિગ્સને ઓપરેશન પછી ઘરે જતા રહેવા કહેવાતા તેઓ ગભરાઈ ગયા હતા. રૂપાએ ગરવી ગુજરાતને ટેલિફોન પર જણાવ્યુ હતુ કે ‘’હું એકલી હોવાથી હું કેવી રીતે સ્વસ્થ થઈશ તે જાણી ડર લાગવા લાગ્યો હતો. પરંતુ મને યાદ છે કે થિયેટરમાં રહેલા સ્ટાફને જોયા બાદ તે બધા લોકો મારા માટે પોતાનું જીવન જોખમમાં નાખે છે એ ખ્યાલ આવતા મારો ડર દૂર થયો હતો. હું ખરેખર NHS ની આભારી છું. જીગ્સે ઘરે પહોંચતાંની સાથે જ મને ફેસટાઇમ પર ફોન કર્યો હતો. તે માત્ર બાળકને જોવા માંગતો હતો. હું પ્રામાણિકપણે કહુ તો મને ખબર નથી કે આ ટોક્નોલોજી ન હોત તો શું કરત.”
અવિરામનો જન્મ થયો તે પહેલાં, તેના માતાપિતાએ તેના આગમનની ઉજવણી, ફોટોશૂટ અને પરિવાર અને મિત્રો સાથે વેલકમ પાર્ટી કરવાની યોજના બનાવી હતી. પરંતુ રૂપા કહે છે કે “મારા માટે તો મુખ્ય બાબત એ છે કે અવિ ઘરે છે અને સલામત છે. હા… અમને આ સમય ફરી પાછો મળશે નહીં.”
રૂપાના માતાપિતા પણ અવિરામને મળવા ઘરે આવ્યા હતા પરંતુ કમનસીબે તેઓ બારીમાંથી જ નાનકડા ક્યુટ અવિરામને જોઇ શક્યા હતો. રૂપાને તે થોડુ “કડવાશભર્યુ” લાગ્યુ હતું. તે પછીના દિવસોમાં, અવિરામની ઘણા લોકોએ મુલાકાત લીધી હતી પરંતુ તમામ લોકો યા તો બારીની બીજી બાજુથી અથવા તો વિડિઓ કૉલ દ્વારા મળ્યા હતા.
હિંદુ પરિવારની પરંપરાગત વિધિ પણ રૂપા, જીગ્સ અને પરિવારે ફેસટાઇમ પર વિશેષ સમારોહ યોજીને કરી હતી. રૂપાએ કહ્યું હતુ કે “આ બધુ જ અમે ફક્ત તેના માટે કરવા માંગીએ છીએ.’’
આ સુખદ પળોની તસવીરો અને વિડીયો કોલનુ રૂપા એક આલ્બમ બનાવી રહી છે. મૂળ યુગાન્ડાના રૂપા ડાન્સ સ્કૂલ મનશામાં બાળકો અને તેમના વાલીઓને નિયમિત નૃત્ય શિખવે છે તેમજ શિક્ષક તરીકે સેવા આપે છે. જ્યારે મૂળ મોઝામ્બિકના જીગ્નેશ પટેલ આઇટી પ્રોફેશનલ છે.
રૂપા યુગાન્ડા અને મોમ્બાસાથી યુકે આવી લેસ્ટરમાં સ્થાયી થયેલા નીતાબેન અને ધિરેનભાઇ નથવાણીની દિકરી છે.