કોરોના વાયરસના અજગરી ભરડામાં સપડાયેલા ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસની તુલનાએ આજે કેસોની સંખ્યા નિયંત્રીત રહી હોવાનું જોવા મળે છે. આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિના જણાવ્યા મુજબ રાજ્યમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં વધુ 94 કેસ સામે આવ્યા છે જેને પગલે રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 2,272ને આંબી ગઈ છે.
અમદાવાદમાં વધુ ચાર દર્દીઓનો મોત થયા છે જ્યારે વલસાડમાં 21 વર્ષીય દર્દી જેને બ્રેઈન ટ્યુમર હતું તેનું મોત થતા રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 95 પર પહોંચી છે. બુધવારે રાજ્યમાં નવા કેસો જે નોંધાયા છે તેમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં આઠસ અરવલ્લીમાં પાંચ, બોટાદમાં બે અને રાજકોટમાં એક કેસનો સમાવેશ થાય છે.
મોટાભાગના કેસ હોટ સ્પોટ વિસ્તારમાંથી જ આવ્યા હોવાનું જણાયું છે તેમ ડો. રવિએ ઉમેર્યું હતું.રાજ્યમાં કુલ કોરોના વાયરસના દર્દીઓ 2,272 છે અને 95 લોકોના મોત થયા છે જ્યારે 144 લોકોની સફળ સારવાર થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,516 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 206 પોઝિટિવ આવ્યા હતા અને 2,310 નેગેટિવ રહ્યા હતા.રાજ્યમાં રહેલા કુલ 2,272 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 2020ની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારે 2,033 એક્ટિવ કેસ છે.સરકારની જાહેરાત બાદ ખેડા, વડોદરા, નવસારી તેમજ સુરતમાં એક-એક કેસ વધુ બહાર આવ્યા હોવાની સૂત્રોએ માહિતી આપી છે જેને પગલે સૂત્રોના મુજબ કુલ કેસનો આંક 2,276 થયો છે.