ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા 20,328 થઈ ગઈ અને 652 લોકોના મોત થયા છે. હવે ભારત અમેરિકા, સ્પેન, ઈટલી, ફ્રાન્સ, જર્મની, બ્રિટન સહિત એ 17 દેશમાં સામેલ થઈ ગયું છે, જ્યા સંક્રમણના 20 હજારથી વધારે કેસ છે. બુધવારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના આવાસ પર તહેનાત એક પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. રાજસ્થાનમાં 64 અને ઓરિસ્સામાં 3 નવા દર્દી મળ્યા છે. દેશમાં મંગળવાર રાત સુધી 1537 નવા દર્દી સામે આવ્યા હતા. આ સંખ્યા સતત ચોથા દિવસે 1 હજારથી વધારે છે.

ગઈકાલે રેકોર્ડ 702 દર્દી સાજા થયા છે, આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. શાહે સંકટ વખતે ડોક્ટર્સની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ડોક્ટર્સને પુરી સુરક્ષા આપવાનો વિશ્વાસ અપાવ્યો અને ગુરુવારે કરવાના સાંકેતિક દેખાવને ટાળવાની અપીલ કરી છે. IMAએ સ્વાસ્થ્યકર્મીઓ પર થઈ રહેલા હુમલાઓ વિરુદ્ધ 23 એપ્રિલે બ્લેક ડેની જાહેરાત કરી હતી.

ત્યારબાદ કેન્દ્ર સરકારે અલગ અલગ 6 મંત્રાલયોની ટીમ બનાવી છે. જે ડોક્ટર્સ પર હુમલાનો રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપશે. કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડ ખાતે આવેલા કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલે ખુલશે. રુદ્રપ્રયાગ જિલ્લાના ડીએમ મંગેશ ઘિલ્ડિયાલે કહ્યું કે, આ અવસરે મુખ્ય પૂજારી સહિત કુલ 16 લોકો હાજર રહેશે.
કોઈ પણ શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપવામાં નહીં આવે.

હરિયાણા સરકારે ચાઈના કંપનીને આપેલો 1 લાખ રેપિડ કીટનો ઓર્ડર રદ કર્યો, ચીન બમણો ભાવ લઈ રહ્યું છે. હરિયામા સરકારે હવે આ કીટ સાઉથ કોરિયાની કંપની પાસેથી લેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ અન્ય ઘણા રાજ્યોની સરકારોએ તેની ક્વોલિટી પર સવાલ ઉઠાવ્યો છે.