બે અઠવાડિયાથી દૈનિક મૃત્યુઆંકની તુલના બાદ ચાન્સેલર ઋષી સુનક અને કેબિન્ટ ઓફિસ મિનીસ્ટર માઇકલ ગોવ વહેલી તકે લોકડાઉન અને અન્ય નિયંત્રણો હળવા કરવા ઇચ્છે છે ત્યારે વડાપ્રધાન બોરીસ જ્હોન્સન કોરોનાવાયરસનો ચેપ બીજી વખત ઉથલો મારશે તેવા ભયના કારણે હાલમાં લોકડાઉન સમાપ્ત કરવા સહમત નથી. વડા પ્રધાન નથી ઇચ્છતા કે રોગચાળો બીજી વખત તેના શિખર પર જાય અને દેશ ફરી હાલાકીમાં મૂકાય. એમ મનાય છે કે બોરિસ જોહન્સન કોરોનાવાયરસ બીજી વખત તેના શિખર પર ન જાય તેને પ્રાધાન્ય આપી રહ્યા છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકની દલીલ છે કે લોકડાઉન હટાવતા પહેલા વાયરસને દબાવવો જોઇએ.
સરકારના સ્ત્રોતોએ મે માસના અંત પહેલા શાળાઓ ફરી ખોલવાની સંભાવનાઓ પર ઠંડુ પાણી રેડી દીધુ છે અને જૂનની શરૂઆતમાં શાળાઓ શરૂ થાય તેવી વધુ સંભાવના છે. જ્હોન્સન હજુ પણ ચેકર્સ ખાતે આરામ કરી રહ્યા છે અને શુક્રવારે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ, વરિષ્ઠ સલાહકાર ડોમિનિક કમિંગ્સ, કોમ્યુનિકેશન્સ ડાયરેક્ટર લી કેઈન અને કેબિનેટ સેક્રેટરી સર માર્ક સેડવિલ સાથે બે કલાકની બેઠક દરમિયાન તેમણે તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. કેબિનેટમાં મતમતાંતર છે કે જો નિયંત્રણો હળવા નહિ કરાય તો આર્થિક નુકસાન થશે અને તે વાયરસ કરતા વધુ લોકોની હાની કરશે.
જ્હોન્સન ચાન્સેલર સુનક અને માઇકલ ગોવ કરતા વધુ સાવચેતીભર્યું વલણ અપનાવતા હોય તેવું લાગે છે. છેલ્લા 24 કલકામાં 596 દર્દીઓ વાયરસથી મૃત્યુ પામ્યા હતા જે વીતેલા પખવાડિયામાં સૌથી ઓછો આંક છે. તુર્કીથી કોરોનાવાયરસની રક્ષણાત્મક કીટનુ મહત્વપૂર્ણ શિપમેન્ટ ફરીથી વિલંબિત થશે તેવું લાગે છે. આમ થાય તો દર્દીઓની સારવાર કરવાનું બંધ કરવાની ફરજ પડી શકે છે તેમ તબીબો માને છે. હાલમાં રોજના 21600 ટેસ્ટ થાય છે પણ સરકાર મહિનાના અંત સુધીમાં 100,000 ટેસ્ટ કરવાનુ લક્ષ્યાંક ધરાવે છે. બીજી તરફ ફ્રન્ટલાઈન એનએચએસ અને કેર હોમ સ્ટાફના મૃત્યુની સંખ્યા 80 સુધી પહોંચી છે.
100થી વધુ ડોકટરોએ લોકોને તેઓ ઘરની બહાર નીકળે ત્યારે હોમમેઇડ ફેસ માસ્ક પહેરવા અપીલ કરી છે. ચાન્સેલર સુનકને તેમની બિઝનેસ બેલઆઉટ યોજનાઓને વેગ આપવા વિનંતી કરવામાં આવી છે. જો તેમ નહિ થાય તો આગામી ત્રણ મહિનામાં 11.7 મિલિયન લોકોને ફર્લો યોજના હેઠળ લવાશે યા તો તેમની નોકરીઓ જઈ શકે છે. એક વિશ્લેષણ મુજબ દર અઠવાડિયે 2,500થી વધુ વૃદ્ધ દર્દીઓ કેર હોમમાં કોરોનાવાયરસથી મરી રહ્યા છે.