વૈશ્વિક મહામારી કોરોના સામેની લડાઈમાં વિજયી બનવા હાલ વિશ્વના મોટા ભાગના દેશો ચીન તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. કેટલેક અંશે ચીને આગળ આવીને આવા દેશોની મદદ પણ કરી છે પરંતુ મોટા ભાગના દેશો ચીનની મદદથી ખુશ થવાના બદલે દુખી થઈ રહ્યા છે. હકીકતે ચીન મદદના નામે જે ઉપકરણો કે ચીજવસ્તુઓ મોકલી રહ્યું છે તે પૈકીની મોટા ભાગની વસ્તુઓને લઈ ફરિયાદ સાંભળવામાં આવી રહી છે.
તાજેતરમાં ચીને ભારતને 1.70 લાખ પીપીઈ કીટ્સ મોકલી આપી હતી પરંતુ જાણવા મળ્યા મુજબ તે પૈકીની 50,000 કીટ પરીક્ષણ દરમિયાન ફેલ થઈ છે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાનો ખુલાસો કરતા જણાવ્યું કે, ચીનની મોટી કંપનીઓએ ભારતને મદદ કરવા દાન સ્વરૂપે 1,70,000 પીપીઈ કીટ મોકલી આપી હતી પરંતુ તે પૈકીની 50 હજાર કીટ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે.
આ તમામ કીટ્સનું ગ્વાલિયર ખાતેની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચીને 30 હજાર અને 10 હજાર કીટ ભરેલા બે નાના કન્સાઈનમેન્ટ્સ પણ મોકલી આપેલા પરંતુ તે તમામ કીટ પણ પરીક્ષણમાં ફેલ થઈ છે.
અગાઉ ચીને મદદના નામે ઈટાલીને પણ ચિકિત્સા ઉપકરણો મોકલી આપ્યા હતા પરંતુ તે પૈકીના અડધાથી વધારે ઉપકરણો ખરાબ નીકળ્યા હતા જેથી ચીનની ભારે ટીકા થઈ હતી. ચીને પાકિસ્તાન સાથે તો એટલી હદે ખરાબ વ્યવહાર કર્યો હતો કે મદદના નામે અંડરગાર્મેન્ટ્સમાંથી બનેલા માસ્ક મોકલી દીધા હતા.
ભારત ચીન પાસેથી જે કીટ ખરીદી રહ્યું છે તે સીઈ-એફડીએ સર્ટિફાઈડ હોય છે પરંતુ ફેલ થયેલી કીટ મોટા ભાગે દાનમાં જ મળેલી છે. આ કારણે સરકાર ખરીદવામાં આવેલી કીટ કોઈ રીતે ખરાબ ન હોય તેનું ધ્યાન રાખી રહી છે. તે સિવાય સરકારે એક લાખ સૂટનો ઓર્ડર પણ આપી રાખ્યો છે.
વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે ભારતને ઓછામાં ઓછા 20 લાખ સૂટની જરૂર પડશે અને તેટલા સૂટ આપણા માટે પર્યાપ્ત થઈ પડશે. ચીન એક મોટું નિકાસકાર હોવાથી તેના પાસેથી ખરીદી કરવી આપણી મજબૂરી છે પરંતુ ભારત પણ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યું છે.