અમદાવાદમાં એક સરકારી હોસ્પિટલમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્ત દર્દીઓને તેમના ધર્મના આધારે અલગ પાડવામાં આવી રહ્યા હોવાના એક મીડિયા અહેવાલના સંદર્ભમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેના કમિશને એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ભારત કોરોના વાઈરસના રોગચાળાનો મુકાબલો કેવી રીતે કરી રહ્યું છે.
યુએસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રીલીજીયસ ફ્રીડમ (USCIRF) દ્વારા કરાયેલી આ ટીકાનો આકરો પ્રતિભાવ આપતાં ભારતે જણાવ્યું હતું કે, કમિશને એક ‘મિસગાઈડેડ’ રીપોર્ટના આધારે આ ટીકા કરી છે.
ભારતમાં ધાર્મિક સ્વાતંત્ર્ય અંગેની પોતાની નિર્ણાયક કોમેન્ટરી પુરતી ના હોય તે રીતે, અમેરિકાનું આ કમિશન હવે ભારતમાં કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગમાં પાલન કરવામાં આવી રહેલા પ્રોફેશનલ મેડિકલ પ્રોટોકોલ્સ વિષે પણ ગેરમાર્ગે દોરાયેલા અહેવાલોના આધારે અપપ્રચાર ફેલાવી રહ્યું છે, એમ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકત્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી જ છે અને તે મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ રીતે અલગ પાડવામાં આવી રહ્યા નથી, એવું તેમણે વધુમાં કહ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, આ રોગચાળાનો મુકાબલો કરવાના અમારા રાષ્ટ્રીય ધ્યેયને ધાર્મિક રંગે રંગવાનું અમેરિકન કમિશને બંધ કરવું જોઈએ અને એ રીતે અમારા વ્યાપક પ્રયાસો તરફની એકાગ્રતામાં વિક્ષેપ બંધ કરવો જોઈએ.
અમેરિકન કમિશને એક ટ્વીટમાં એવું કહ્યું હતું કે, હોસ્પિટલમાં હિંદુ તથા મુસ્લિમ દર્દીઓને અલગ અલગ રાખવામાં આવી રહ્યા હોવાના અહેવાલોના પગલે કમિશન ચિંતિત છે. આવા પગલાંથી અન્યથા પણ દેશમાં મુસ્લિમોને કલંકિત કરવામાં આવી રહ્યા છે તેમાં વધારો થઈ રહ્યો છે અને મુસ્લિમો જ કોરોના વાઈરસનો રોગચાળો ફેલાવી રહ્યા હોવાની ખોટી અફવાઓ પણ ઉમેરો થઈ રહ્યો છે. આ અગાઉ પણ કમિશને ભારતમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના મુદ્દે દેશની ટીકા કરી હતી.