બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના કારણે 737 લોકોના કરૂણ મોત નિપજતાં મરનાર કમનસીબનો કુલ આંકડો 10,612 થયો હતો. બીજી તરફ સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયેલા વડા પ્રધાન બોરીસ જ્હોન્સનને સેન્ટ્રલ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમણે એક વિડીયો દ્વારા એનએચએસ સ્ટાફનો તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કોરોનાવાયરસના પોઝીટીવ કેસની સંખ્યા 5,288થી વધીને કુલ 84,279 પર પહોંચી હતી. છેલ્લાં 24 કલાકમાં 18,000 નવા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાંસ, ઇટાલી અને સ્પેનમાં જ 10,000 કરતા વધુ લોકોના મરણ થયા છે. એક વૈજ્ઞાનિકે ચેતવણી આપી હતી કે યુરોપના અન્ય દેશો કરતા બ્રિટનમાં વધુ લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે.
બેડરેસ્ટ માટે બકિંગહામશાયરમાં આવેલા ચેકર્સ સ્થિત વડાપ્રધાનના નિવાસે જતા પહેલા ડાઉનિંગ સ્ટ્રીટથી બોલતા વડા પ્રધાન બોરીસ જ્હોન્સનને કહ્યું હતુ કે ‘મારું જીવન બચાવવા માટે એનએચએસનુ દેવું ચૂકવવા માટે મારી પાસે વ્યક્ત કરવાના શબ્દો મળવાનું મુશ્કેલ છે.’
તેમણે રાષ્ટ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરતાં જણાવ્યુ હતુ કે ‘આપણે મળીને આ પડકારને પહોંચી વળીશું, કેમ કે આપણે ભૂતકાળમાં ઘણા પડકારોને પાર કર્યા છે.’ વડા પ્રધાનના સગર્ભા મંગેતર કેરી સાયમન્ડ્સે ‘અંધકારભર્યા સમયમાં’ મદદ કરવા બદલ એન.એચ.એસ. સ્ટાફનો આભાર માન્યો હતો. બોરીસ જ્હોન્સનના સાવકા ભાઈ મેક્સે ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના મોટા ભાઈ આઇસોલેશનમાં હતા ત્યારે તેમને મળેલી સારવારની ટીકા કરી હતી.
એનએચએસ ઇંગ્લેન્ડે વધુ 657 મૃત્યુની ઘોષણા કરી હતી જેમાં 42 લોકોને આરોગ્યની કોઈ સમસ્યાઓ નહોતી અને ઇંગ્લેન્ડનો કુલ મૃત્યુઆંક 9,594 થયો હતો. મૃત્યુ પામનારા સૌથી નાના વ્યક્તિની વય 26 વર્ષ અને સૌથી મોટી વ્યક્તિની વય 100 વર્ષની હતી જે બંને જણાને તબીબી સમસ્યાઓ હતી. વેલ્સમાં વધુ 18 લોકોનાં મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 369 થયો હતો. વધારાના 367 લોકોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા અને કેસોની કુલ સંખ્યા 5,297 પર પહોંચી હતી. સ્કોટલેન્ડમાં આજે 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કુલ મૃત્યુની સંખ્યા 566 થઇ હતી તેમ જ કુલ 5,912 લોકોને વાયરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. નોર્ધર્ન આયર્લેન્ડમાં કુલ 118 લોકોના અને રવિવારે 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે સરકારના દૈનિક બ્રીફિંગમાં જણાવ્યું હતુ કે ‘’આજે કોરોનાવાયરસથી સંબંધિત 10,000 કરતા વધુ લોકોનાં મોત નિહાળનારા દેશોની યાદીમાં જોડાતાં દુખ થાય છે. આ કરૂણ હકીકત દર્શાવે છે કે આ કોરોનાવાયરસ કેટલો ગંભીર છે અને દરેક વ્યક્તિ જેમાં શામેલ છે તે રાષ્ટ્રીય પ્રયાસ એટલો મહત્વપૂર્ણ કેમ છે.’
અભિનેતા અને હાસ્ય કલાકાર ટિમ બ્રૂક-ટેલરનું કોરોનાવાયરસના કારણે 79 વર્ષની વયે અવસાન થયું હતુ. બેંક ઑફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ કિંગે કહ્યું હતુ કે ‘’ કેટલીક શાળાઓ અને વ્યવસાયો ફરીથી ખોલવા જોઈએ’’
રાણીએ કોરોનાવાયરસ લૉકડાઉન જાળવવાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યુ હતુ કે ઇસ્ટર રદ કરાયું નથી ખરેખર, આપણને જ્યારે જોઈએ તેટલું જ ઇસ્ટર આજે પણ જોઇએ છે.’’
કેબિનેટ મિનીસ્ટર્સ લૉકડાઉન બાબતે વહેંચાયેલા છે. અમુક લોકોને મે મહિનાના પ્રારંભમાં બ્રિટનને લોકડાઉનમાંથી મુક્ત કરવુ છે તો અન્યને ઉનાળા સુધી પ્રતિબંધો લંબાવવા છે. વર્ગની બહાર મહિનાઓ સુધી રહેવાના જોખમનો સામનો કરી રહેલા બાળકોની શિક્ષણની જરૂરીયાત બાબતે એક નવી ‘ઑનલાઇન શાળા’ બનાવવાની યોજના છે.