ભારતમાં કોરોનાના કારણે છેલ્લા એક મહિનામાં ૨૦૦થી વધુના મોત થયા હોવા છતાં વૈશ્વિક દરની સરખામણીમાં દેશમાં કોરોનાથી મોતનો દર ઘણો ઓછો માત્ર ૩ ટકા જેટલો છે. વધુમાં ભારતમાં મૃત્યુદર બ્રિટન, ઈટાલી અને સ્પેન જેવા યુરોપીયન રાષ્ટ્રો કરતાં ઘણો ઓછો છે તેમ કેટલાક મેડીકલ નિષ્ણાતોનું કહેવું છે.
મેડિકલ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બારતમાં કોરોના મહામારીના કારણે નીચા મૃત્યુદરનું એક કારણ ભારતમાં એકંદરે યુવાનોની વધુ વસતી પણ હોઈ શકે છે. તેમણે ઈટાલી અને સ્પેન જેવા દેશોમાં ઊંચા મૃત્યુદરનું એક કારણ ત્યાં વૃદ્ધોની વધુ સંખ્યાને ગણાવ્યું હતું. ભારતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ૭,૫૦૦થી વધુ થઈ છે જ્યારે કુલ ૨૫૧ લોકોનાં મોત થયા છે. આમ ભારતમાં પોઝિટિવ કેસની સરખામણીમાં મૃત્યુની ટકાવારી એકંદરે ૩.૦૪ ટકા જેટલી છે.
અમેરિકાના સત્તાવાર આંકડા મુજબ દેશમાં કોરોનાથી મૃત્યુદર ૩.૪ ટકા જેટલો થાય છે. જોકે, જ્હોન હોપકીન્સ યુનિવર્સિટી એન્ડ મેડિસિન મુજબ અમેરિકામાં મૃત્યુદર ૩.૫૭ ટકા છે. યુરોપમાં કોરોનાનો મૃત્યુદર ઘણો ઊંચો છે. સત્તાવાર આંકડા મુજબ યુરોપીયન દેશોમાં સ્પેનમાં મૃત્યુદર ૯.૭૩ ટકા, ઈટાલીમાં મૃત્યુદર ૧૨.૭૨ ટકા છે. બ્રિટનમાં મૃત્યુદર ૧૨ ટકાથી વધુ છે. આ બધા જ દેશોમાં કોરોનાથી મૃત્યુદર ભારત કરતાં ઘણો ઊંચો છે. કોવિડ-૧૯નો ભારતનો મૃત્યુદર ૫.૯૮ ટકાના વૈશ્વિક મૃત્યુદર કરતાં પણ ઘણો નીચો છે.
ફરિદાબાદમાં ફોર્ટિસ એસ્કોર્ટ્સમાં પલ્મોનોલોજી વિભાગના વડા અને સિનિયર કન્સલટન્ટ ડો. રવિ શેખર ઝાએ જણાવ્યું હતું કે ભારતમાં યુરોપીયન દેશોની સરખામણીમાં યુવાવસ્તી વધુ હોવાની સાથે નીચા મૃત્યુદરનું બીજું એક કારણ પણ છે. ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવા વહેલી તકે ત્વરીત પગલાં લેવાયા અને લોકડાઉનનો કડક અમલ કરાયો હતો. જોકે, તેમણે નોંધ્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯નો મૃત્યુદર પ્રદેશો મુજબ અલગ છે. જેમ કે ઈન્દોરમાં તે ૧૦ ટકા છે જ્યારે હરિયાણામાં ૧ ટકા છે.
મેક્સ હેલ્થકેરમાં ઈન્ટરનલ મેડિસિનના એસોસિએટ ડિરેક્ટર ડો. રોમેલ ટિકૂએ જણાવ્યું હતું કે જર્મનીમાં એકંદરે સ્વાસ્થ્ય સેવા ઘણી સારી હોવાથી ત્યાં મૃત્યુદર ભારત કરતાં પણ નીચો છે. ભારતમાં નીચા મુત્યુદરનું બીજું એક કારણ કોરોનાની તિવ્રતા ઓછી હોવાનું પણ છે. જોેકે, આ સપ્તાહના પ્રારંભમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં ૪૦થી ઓછી વયના ૪૭ ટકા, ૪૦થી ૬૦ વર્ષની વયના ૩૪ ટકા અને ૬૦ વર્ષથી વધુ વયના ૧૯ ટકા લોકો છે.