બોરીસ જ્હોન્સન બિમાર પડનાર પહેલા વડાપ્રધાન નથી…

0
749

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કોવિડ-19ના કારણે સતત ત્રીજા દિવસે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર લઇ રહ્યા છે અને તેમની ગેરહાજરીમાં દેશનું મંત્રીમંડળ સામૂહિક રીતે દેશનો વહીવટ કરી રહ્યુ છે. આ વખતે સહેજે પ્રશ્ન થાય કે શું આમ કરનાર તેઓ પહેલા વડાપ્રધાન છે? તો તેનો જવાબ છે ના… જી, આ અગાઉ પણ બ્રિટનના અને ભારત સહિત અન્ય દેશોના વડાપ્રધાન પદ પર હતા તે દરમિયાન બીમાર પડેલા જ છે.

11 સપ્ટેમ્બર, 1918 ના રોજ વડાપ્રધાન ડેવિડ લોઇડ જ્યોર્જ સ્પેનિશ માન્ચેસ્ટરમાં ફ્લૂ રોગચાળાના એક સેન્ટરમાં પ્રવચન આપ્યા બાદ માંદા પડી ગયા હતા. તે વખતે બ્રિટનમાં 228,000 લોકો માર્યા ગયા હતા. કન્ઝર્વેટિવ નેતા અને ચાન્સેલર, એન્ડ્રુ બોનાર લો વહીવટ કરતા હતા.

1941થી 1945 અને ફરીથી 1951થી 1955 દરમિયાન બ્રિટનના વડા પ્રધાન તરીકે સેવા આપનાર વિન્સ્ટન ચર્ચિલને તેમના બીજા કાર્યકાળ વખતે 79 વર્ષની વયે સ્ટ્રોક આવ્યો હતો. ડિસેમ્બર 1941માં પર્લ હાર્બરના હુમલાના થોડા સમય પછી વ્હાઇટ હાઉસમાં રોકાયેલા ચર્ચિલને હાર્ટ એટેક આવ્યો હતો. બે વર્ષ પછી તેમને ન્યુમોનિયા થયો હતો. ‘’ચર્ચિલ: વોકીંગ વીથ ડેસ્ટિની’’ પુસ્તકના લેખક એન્ડ્ર્યુ રોબર્ટ્સ કહે છે કે તેમને સ્ટ્રોક આવ્યાના બીજે જ દિવસે મળેલી બે કલાકની કેબિનેટ બેઠકમાં ભાગ લીધો હતો તેમ છતાં કોઈને ખબર પણ પડી નહતી.” ચર્ચિલ પ્રથમ બે મહિના તેમના કંટ્રી હાઉસ અને પછી વડા પ્રધાનના સત્તાવાર ઘર ચેકર્સમાં રોકાયા હતા.

ચર્ચિલના અનુગામી એન્થની એડન હતાશા, કમળો અને પિત્તાશયની પથરી સહિતની લાંબા ગાળાની સમસ્યાઓનો સામનો કરતા હતા. જાન્યુઆરી, 1957માં ડોકટરોએ તેમને ચેતવણી આપી હતી કે, જો તેઓ પદ પર ચાલુ રહેશે તો તેમનો જીવ જોખમમાં મૂકાશે. સુએઝ કેનાલના રાષ્ટ્રીયકરણના વિવાદે તેમની હાલત નબળી કરી હતી. નવેમ્બર 1956માં એડન આરામ માટે જમૈકા ગયા ત્યારે કૉમન્સના નેતા બટલર અને ચાન્સેલર હેરોલ્ડ મેકમિલને સરકારી આગેવાની લીધી હતી.

માર્ગારેટ થેચર મે 1979થી નવેમ્બર 1990 દરમિયાન વડા પ્રધાન તરીકે રહ્યા તે સમયગાળા દરમિયાન તેમની તબિયત સારી હતી. તેઓ ચાર કલાકની નિંદ્રા જ લેતાં. પણ ઑગસ્ટ 1983માં 57 વર્ષના થેચરને તેમની જમણી આંખમાં રેટિનાની તકલીફ થઇ હતી. તેમને આંખનું ઓપરેશન કરાવવું પડ્યું હતુ અને ત્રણ રાત હોસ્પિટલમાં વિતાવવી પડી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના તત્કાલીન ડેપ્યુટી લીડર વિલિયમ વ્હાઇટલૉ જવાબદારી લેવા તૈયાર હતા પરંતુ થેચરને તેની જરૂર લાગી નહતી. 1986માં ડ્યુપ્યુટ્રેન કોન્ટ્રેક્ચરના કારણે ઓપરેશન માટે બે દિવસ હોસ્પિટલમાં ગયા હતા.

ભારતના વડાપ્રધાન મનમોહન સિંહની બાયપાસ સર્જરી

ભારતના 17મા વડા પ્રધાન મનમોહન સિંહની બાયપાસ સર્જરી જાન્યુઆરી, 2009માં કરવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસના પીઢ નેતા પ્રણવ મુખર્જીએ ચાર્જ સંભાળ્યો હતો.