રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 76 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 262 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142 કોરોનાના દર્દી થઈ ગયા છે.
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે. હાલ 215 સારવાર હેઠળ છે જેમાં 212ની હાલત સ્થિર અને 3 દર્દી વેન્ટીલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં 1975 ટેસ્ટ કર્યાં છે.
જેમાંથી 76 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા છે અને 358 રિપોર્ટ પેન્ડિગ છે. સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને હાલ સુધી કોઇને કોરોના નથી. ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે.
જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડે તો 1 હજારથી વધુ ખાનગી ડોક્ટરની જરૂર પડશે. ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર હોવા અંગે મુખ્યમંત્રી સાથેની ઉચ્ચસ્તરિય બેઠકમાં જણાવવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.