કોરોનાને કારણે ભારતીય અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. લોકડાઉનને પગલે દેશમાં બેકારી વધીને ૨૩ ટકા થઇ ગઇ છે. જ્યારે શહેરોમાં બેકારી વધીને ૩૧ ટકા થઇ ગઇ છે તેમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી(સીએમઆઇઇ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
સમગ્ર માર્ચ મહિનાની વાત કરવામાં આવે તો બેકારીનો દર છેલ્લા ૪૩ મહિનાની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. સીએમઆઇઇના જણાવ્યા અનુસાર માર્ચના પ્રથમ સપ્તાહથી જ દેશમાં રોજગારીની સ્થિતિ ખૂબ જ ખરાબ થવાનું શરૃ થઇ ગઇ હતી.
સીએમઆઇઇ એક અંગત થિંક ટેન્ક છે. સીએમઆઇઇના આંકડા અનુસાર એપ્રિલ, ૨૦૨૦ના પ્રથમ સપ્તાહમાં રોજગારીની સ્થિતિ ખૂબ જ દયાજનક છે.
સીએમઆઇઇના જણાવ્યા અનુસાર લોકડાઉન દરમિયાન બેકારીનો કુલ દર વધીને ૨૩.૪ ટકા થઇ ગયો છે. જ્યારે શહેરમાં બેકારીનો દર વધીને ૩૦.૯ ટકા થઇ ગયો છે.
રિપોર્ટ અનુસાર માર્ચમાં બેકારીનો દર ૮.૭ ટકા રહ્યો હતો. જે છેલ્લા ૪૩ મહિનાનો સૌથી ઉંચો દર છે. માર્ચના અંતિમ સપ્તાહમાં બેકારીનો દર વધીને ૨૩.૮ ટકાએ પહોંચી ગયો હતો. આ અગાઉ ઓગસ્ટ, ૨૦૧૬માં બેકારીનો દર ૯.૫૯ ટકા હતો.
aસીએમઆઇઇના સીઇઓ મહેશ વ્યાશે જણાવ્યું છે કે માર્ચ, ૨૦૨૦માં શ્રમ ભાગીદારીનો દર અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. બેકારીનો દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને રોજગારીનો દર પોતાના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.