98 વર્ષના પિતાને કોવિડ-19થી બચાવવા પુત્રની લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવા વિનંતી

0
506

બ્રેડફર્ડમાં લિજેટ ગ્રીનમાં રહેતા 98-વર્ષના વૃદ્ધ દેવચંદભાઇ પટેલને કોરોનાવાયરસનો ચેપ ન લાગે તે માટે તેમના 40 વર્ષીય પ્રકાશ પટેલે લોકોને લોકડાઉન નિયમોનો ભંગ નહિ કરવા વિનંતી કરી છે. જેથી તેના પિતા જેવા વૃધ્ધ અને નબળુ આરોગ્ય ધરાવતા લોકોને કોરોનાવાયરસથી મુક્ત રાખવામાં મદદ મળે. પિતાની સંભાળ રાખવા તેમની સાથે રહેતા પ્રકાશભાઇ જીવન બચાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોના સતત ઉલ્લંઘનથી ગભરાઈ ગયા છે.

દેવચંદભાઇ ફેફસાના રોગની સીઓપીડી અને અસ્થમાથી પીડિત છે અને વાયરસથી બચાવવા તેમને 12 અઠવાડિયા સુધી બીજા લોકોનો સંપર્ક ટાળવાની સલાહ આપવામાં આવી છે. ગયા અઠવાડિયે તેમને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપતા તેઓ આઇસોલેટ થઇ ગયા છે અને ઘરની બહાર નીકળતા નથી.

પ્રકાશભાઇએ જણાવ્યુ હતુ કે “અમે પરિવારને પણ દૂર રહેવાનું કહ્યું છે અને દુકાનમાં સામાન ખરીદવા ગયા નથી. અમને જેની જરૂર હોય છે તે અમે કુટુંબના લોકોને આપી જવા કહ્યુ છે જેને દરવાજે મૂકવાનુ જણાવીએ છીએ. અમે પરિવારને વિડિઓ કૉલ કરી રહ્યાં છીએ. સ્થાનિક રહેવાસીઓ દ્વારા સામાજિક અંતરના નિયમોની અવગણના કરવામાં આવે છે. હું લોકોને વિનંતી કરૂ છું કે વડા પ્રધાનની અપીલનો આદર કરો. પરંતુ કેટલાક લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજતા નથી.’’