યુકે આવેલા અને કોરોના વાઈરસના રોગચાળાના પરિણામે જાહેર થયેલા પ્રતિબંધોના કારણે પાછા નહીં જઈ શકેલા વિદેશી નાગરિકોના વીસાની મુદત યુકે સરકાર લંબાવી આપશે.હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મંગળવારે (24 માર્ચ) આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, 24 જાન્યુઆરી પછી જે પણ વિદેશીઓના વીસાની મુદત પુરી થઈ છે અને પ્રવાસ નિયંત્રણોના અથવા તો સ્વયં આઈસોલેશનના કારણે હવે યુકેથી બહાર નિકળી શકે તેમ નથી કે હજી સુધી નિકળી શક્યા નથી એવા તમામ વિદેશીઓને આ રીતે વીસાની મુદત લંબાવી અપાશે.
હાલમાં આ મુદત 31 મે સુધી લંબાવવામાં આવી રહી છે અને સરકાર સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે, આગળ ઉપર જરૂર પડશે તો વીસાની મુદત વધુ લંબાવવાની મંજુરી અપાશે. વીસાની મુદત લંબાવવાની આ પ્રક્રિયા શક્ય એટલી સરળ બનાવવા યુકેવીઆઈની અંદર જ એક ડેડીકેટેડ કોવિદ-10 ઈમિગ્રેશન ટીમની રચના કરાઈ છે. આવી સ્થિતિમાં મુકાયેલી કોઈપણ વ્યક્તિએ અહીં આપેલા ઈ-મેઈલ એડ્રેસ [email protected] ઉપર એ ટીમનો સંપર્ક કરવાનો રહેશે. તેઓએ ટીમને પોતાના વીસાની મુદત પુરી થઈ ગઈ હોવાનું જણાવવાનું રહેશે અને તેમના વીસાની મુદત લંબાવી અપાશે.
યુકેમાં લાંબા ગાળા માટે રહેવાના વીસા માટે અરજી કરવા ઈચ્છતા લોકો માટે પણ હોમ ઓફિસ કામચલાઉ ધોરણે ઈન-કન્ટ્રી સ્વિચિંગની જોગવાઈઓનું વિસ્તરણ કરી રહી છે.આનો અર્થ એવો થાય છે કે, યુકેમાં રહીને જ ટીઅર 4 (સ્ટુડન્ટ) થી ટીઅર 2 (જનરલ વર્કર)માં રૂટ સ્વિચ કરવા ઈચ્છતા લોકો પણ એપ્લાય કરી શકશે. યુકેવીઆઈ આવી અરજીઓની પ્રોસેસ શક્ય એટલી ઝડપી કરશે, પણ કોરોના વાઈરસના રોગચાળાના કારણે ઉભા થયેલા કામગીરીના પ્રેશરના પરિણામે કેટલીક અરજીઓની પ્રોસેસમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કહ્યું હતું કે, યુકે લોકોની તંદુરસ્તી અને સુખાકારીને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે, પોતાના કાબુમાં ના હોય તેવા સંજોગો માટે કોઈની સામે પણ દંડનિય કાર્યવાહી કરવામાં આવશે નહીં. લોકોના વીસાની મુદત લંબાવી આપીને, અમે લોકોને માનસિક શાંતિ આપવા પ્રયાસ કરી રહ્યા છીએ તેમજ અગત્યની સેવાઓમાં વ્યસ્ત લોકોને પણ તેમની કામગીરી ચાલુ રાખવાની સુવિધા આપી રહ્યા છીએ. કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતાં ફલાઈટ્સ રદ થવાના તેમજ બોર્ડર પરના નિયંત્રણોના કારણે સંખ્યાબંધ વિદેશી યુકેથી પાછા જઈ શક્યા નથી.
વીસાની મુદત લંબાવવા માટે હોમ ઓફિસનો સંપર્ક કરનારા લોકો એકવાર ફલાઈટ અને બોર્ડર ઉપરના નિયંત્રણો દૂર થાય કે તુરત જ પોતાના દેશમાં પાછા જશે એવી અપેક્ષા છે. જે લોકોએ ઉપર દર્શાવ્યા મુજબ હોમ ઓફિસને ઈમેઈલ કર્યો હશે તેમની સામે ત્યાં સુધી, ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટના કોઈ પગલાં નહીં લેવાય.હાલમાં સેલ્ફ આઈસોલેશન તથા સોશિયલ ડિસ્ટન્સિંગની અપાયેલી સલાહના પરિણામે વીસા સ્પોન્સર કરનારા યુકેના લોકો માટે પણ હોમ ઓફિસ કેટલાક નિયમોનો અમલ મોકુફ રાખશે, જેમાં યુકેમાં રહેતા ઈયુ સિવાયના લોકો પછી તે વર્ક વીસા ઉપર હોય કે સ્ટુડન્ટ વીસા ઉપર, તેમના માટેની ઘરે રહીને કામ કરવા કે અભ્યાસ કરવાના નિયમોનો સમાવેશ થાય છે.