અમદાવાદ શહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 23 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને તેમાંથી ત્રણના મોત પણ થઈ ગયા છે. આજે શહેરમાં ત્રણ વૃદ્ધ દર્દી સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધને રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 2 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી. બંને દર્દીઓને 20 માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અસારવા સિવિલિમાંથી એક 60 વર્ષના પુરૂષના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રજા આપવામાં આવી છે. અમદાવાદમાં રવિવારે કોરોના વાઇરસની મહિલા દર્દી સ્વસ્થ થઈ જતા તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્ય-દેશ અને દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસને અટકાવવા તથા તેના નિયંત્રણમાં લેવાની કામગીરીમાં ફરજ બજાવવાની ના પાડનાર ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. પી.એમ.પટેલ તથા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ચેતનસિંહ વાઘેલાને સિટી ડેપ્યુટી કલેક્ટર અને ઈન્સીડન્ટ કમાન્ડર જે.બી.દેસાઈએ નોટિસ ફટકારી છે.
અમદાવાદ કલેક્ટરે બે જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં મકાન ખાલી કરાવવા મકાન માલિક મજબૂર કે જબરજસ્તી નહિં કરી શકે, કન્સ્ટ્રકશન સાઇટમાં કામ કરતા મજૂરની રહેવા અને જમવાની વ્યવસ્થા કન્સ્ટ્રકશન સાઇટના માલિકે કરવાની રહેશે. જો જાહેરનામાંનો ઉલ્લંઘન થશે તો માલિકો સામે કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.