રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા છે. જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. જેમાં ત્રણ અમદાવાદમાં, એક ભાવનગર અને એક સુરતમાં મોત થયું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 21, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-8, સુરત-7, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-1, ભાવનગર-1માં કેસ સામે આવ્યા છે.તેમજ અત્યાર સુધીમાં 5 કરોડ લોકોનો સર્વે હાઉસ ટુ હાઉસ અને ફોનથી કરવામાં આવ્યો છે.
29 માર્ચે સામે આવેલા ત્રણેય પોઝિટિવ કેસ અમદાવાદના છે. જેમાં 28 માર્ચે 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો જો કે દુર્ભાગ્યવશ આજે તેમનું મોત થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. જ્યારે 34 વર્ષીય યુવાનની મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ છે.
તેમજ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જરૂર પડ્યે તો જ બહાર નીકળીએ. સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. સિનિયર સિટીઝનથી અંતર રાખવું જરૂરી છે જે તેમના માટે સારું છે. ગામડામાં સારી રીતે સર્વે ચાલી રહ્યો છે.હાલમાં જે લોકો પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ છે એમને ત્યાં જ રખાશે. નવા કેસ જ હવે નવી કોવિડ હોસ્પિટલમાં લેવામાં આવશે.