લંડનમાં ચાર દિવસમાં અને દેશ આખામાં માત્ર બે સપ્તાહમાં ઇન્ટેન્સિવ કેર માટેના બેડ ખૂટી પડશે. હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટર્સ અને નર્સ જેમને બચાવી શકાય તેમ હશે તેવા જ દર્દીઓને બચાવશે. પણ જેમની તબિયક નાજૂક હશે તેમને લાચારીના કારણે મરવા દેવાશે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ આગાહી કરી છે કે આગામી બે અઠવાડિયાના સમયમાં દેશના તમામ આઈસીયુ બેડ ભરાઇ જશે.
ઇંગ્લેન્ડના સાતમાંથી પાંચ વિસ્તારોમાં આગામી 14 દિવસમાં બેડ ભરાઇ જશે અને જેમાં લંડનમાં સૌ પ્રથમ અને નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં સૌથી છેલ્લે બેડ ભરાય તેવી સંભાવનાઓ છે. ફક્ત નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ અને યોર્કશાયર તેમ જ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં બે અઠવાડિયા પછી બેડ મળી શકશે.
લંડનના હેરોની નોર્થવિક પાર્ક હોસ્પિટલના કર્મચારીઓએ ડેઇલી ટેલિગ્રાફને કહ્યું હતું કે ‘’ડોકટરો સંભવિતપણે જીવી શકે તેવા લોકોને પ્રાથમિકતા આપી રહ્યા છે. વરિષ્ઠ નર્સે જણાવ્યું હતું કે અછતના કારણે કર્મચારીઓને લોકોની સંભાળ વિશે નિર્ણય લેવા માટે દબાણ થઇ રહ્યુ છે. તબીબી કર્મચારીઓએ નવો છ-પથારીવાળો કાર વોર્ડ બનાવ્યો છે. અમે પહેલેથી જ ઇટાલીની સ્થિતિમાં છીએ જ્યાં ડોકટરો નક્કી કરી રહ્યા છે કે કોને વેન્ટિલેટર લગાવવું જોઈએ, અને કોને નહિ. મૃત્યુ પામનારા મોટાભાગના લોકો વૃદ્ધ હતા. પરંતુ અમારી પાસે શ્વાસ લેવા માટે સંઘર્ષ કરતા નાના યુવાનો પણ છે અને તેમને ક્યારેક વહેલુ વેન્ટિલેટર મળી જાય છે. મશીનો ચલાવવા માટે પૂરતા લોકો નથી અને ફ્લુ જેવા લક્ષણોવાળા સ્ટાફ નોકરી પર આવી રહ્યા છે.’