કોરોના વાઈરસને લઈને વિદેશમાં વેપાર ધંધા કરતા અને અભ્યાસ કરતા તમામ અટવાયા છે. લોકડાઉન થતાં ફ્લાઇટ્સ પણ બંધ કરી દેવાઇ છે, ત્યારે રાજપીપળાનો વિદ્યાર્થી મોરેશિયસમાં ફસાઇ ગયો છે. જેને પગલે તેનો પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો છે. મોરેશિયસમાં 300 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. તેઓએ ભારત પરત લાવવાની પીએમ મોદીને આજીજી કરતો વીડિયો વાયરલ કર્યો છે.
મોરેશિયસમાં ફસાયેલા રાજપીપળાના વિશાલ મહંતે જણાવ્યું હતું કે, વડોદરાની IIHM(ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ)ના માધ્યમથી 6 મહિનાની ઇન્ટરશિપ માટે મોરેશિયસ ગયો છું. કોરોના વાઈરસને લીધે 6 મહિનાની ઇન્ટરશિપ 4 મહિનાની કરી દેવાઇ છે. હાલમાં અમે પણ લોકડાઉન છીએ. પોલીસ અમને બહાર નીકળવા દેતી નથી. જે હોટેલમાં અમે ઇન્ટરશિપ કરી એ હોટેલે પણ અમને કહ્યું કે, તમે તમારી રીતે ભારત જતા રહો.
કોરોના વાઈરસને લીધે તમને કંઇ થશે તો જવાબદારી અમારી રહેશે નહીં. મારી સાથે રહેતા ગુજરાતના અન્ય 10 લોકો તો પોતાના ઘરે પહોંચી ગયા છે, પણ હું અને ભારતના વિવિધ રાજ્યોના 300 યુવક-યુવતીઓ હાલમાં પણ અહીં ફસાયેલા છીએ. અમે એર ઇન્ડિયામાં બુકિંગ કરાવ્યું ત્યારે એર મોરેશિયસના લોકોને ફ્લાઈટમાં બેસાડી દેવાયા અને અમારૂ નામ લિસ્ટમાં પણ ન આવ્યું આમારી સાથે છેતરપીંડી થઇ છે.
મોરેશિયસ અભ્યાસ કરતા ભારતના ગુજરાત અને અન્ય રાજ્યોના યુવાનો, યુવતીઓએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં પીએમ મોદીને સંબોધી જણાવ્યું છે કે, કોરોના વાઈરસને લીધે મોરેશિયસમાં સ્થિતિ બગડી રહી છે. અમારા માટે યોગ્ય માસ્ક પણ ઉપલબ્ધ નથી. અમારી પાસે પૈસા પણ ખતમ થઈ ગયા છે. અમારા પરિવાર અમારી ઘણી ચિંતા કરી રહ્યા છે. અમને કઈ થઈ જાય તો અમારી દેખભાળ માટે પણ અહીં કોઈ જ નથી. અમારે ભારત પરત આવવું છે, તમે કોઈ વ્યવસ્થા કરો એવી અમારી માંગ છે.