કોરોના વાઈરસના કહેરને પગલે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે કોરોના વાઈરસની અસરને પગલે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને વર્તમાન સ્થિતિની મીડિયા સમક્ષ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ અને વડોદરા-રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 38 થઈ છે અને અમદાવાદમાં સૌથી વધુ 14 કેસો નોઁધાયા છે.
3 નવા કેસ નોંધાયા છે તેમાં 1 અમદાવાદની મહિલા ટ્રાવેલ હિસ્ટ્રી, વડોદરા 1 સુરત 1 પુરુષ અને બંને લોકલ છે.રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કોરોના માટેની વિશેષ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની અદ્યતન સાધનો સાથેની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 1583 આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.
જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 635 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ સિવાય વધુ બેડ ઊભા કરવાની વ્યવસ્થાની કામગીરી પ્રગતિમાં છે. સરકારી હોસ્પિટલમાં 609 વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 1500 વેન્ટિલેટર છે.
જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 1.07 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 15468 વ્યક્તિ વિદેશથી આવેલા છે. આમાંથી 50 લોકોને રોગના ચિન્હ જણાતા સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. 104 હેલ્પલાઇન નંબર પર દિવસના 20000 કોલ મળી રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 258 લોકોને સારવાર આપવામાં આવી છે.