પિતરાઇ ભાઇના હત્યારાને આજીવન કેદ

0
873

કૌટુંબિક સંપત્તિની તકરારમાં બર્મિંગહામના સ્પાર્કહિલના વિલ્ટન રોડ પર પિતરાઇ ભાઇ હાશિમ ખાનની છરીના 11 વાર કરી કરપીણ હત્યા કરી તેના બે ભાઇઓને ઇજા કરનાર નાદિર અલીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી છે. પેરોલ બોર્ડ દ્વારા તેને મુક્ત કરવા માટે વિચારણા કરવામાં આવે તે પહેલાં તેણે ઓછામાં ઓછા 25 વર્ષ જેલ ભોગવવી પડશે.

બાલસાલ હીથના એડવર્ડ રોડ પર રહેતો 32 વર્ષીય અલી અગાઉ હત્યા અને ઇરાદાપૂર્વક ઘાયલ કરવાના ત્રણ આરોપ બદલ દોષીત સાબિત થયો હતો.

કોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે નાદિર અલીને ભાઈઓની માતા દ્વારા મિલકત આપવામાં આવી હતી. પરંતુ તે આ નિર્ણયથી નાખુશ હતો અને ગયા વર્ષે 23 ઑગસ્ટના રોજ વિલ્ટન રોડના એક મકાનમાં આ અંગેની ચર્ચા કરવા મીટીંગ રાખવામાં આવી હતી. જ્યાં બોલચાલ દરમિયાન તકરાર ચાલુ થઇ હતી. જેમાં ગુસ્સે થયેલા અલીએ હાશિમ ખાન પર ચાકુ વડે હુમલો કરતા તે મરણ પામ્યો હતો.

દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરનાર હાશિમના ભાઇઓ લુકમાન ખાન અને ઝહુર ખાનને છરી વાગી હતી. નાદિરે હુમલા દરમિયાન ચાર માણસોને ઘાયલ કર્યા હતા અને તેના સગા ભાઇની વિનંતી પણ તેણે માની ન હતી. હાશિમ પાંચ બાળકોનો પિતા હતો અને તેના પરિવારના ભરણપોષણની જવાબદારી તેના પર હતી.