વિશ્વભરમાં ચાર લાખ લોકો કોરોના સંક્રમણથી પીડિત છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ 16500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ડિસેમ્બરના અંતમાં ચીનના હુબેઈની રાજધાની વુહાનથી કોરોના વાઈરસની શરૂઆત થઈ હતી અને હાલ તેણે આખા વિશ્વને પોતાના ભરડામાં લઈ લીધું છે.
જ્યાંથી કોરોના આખા વિશ્વમાં ફેલાયો છે એવા હુબેઈ પ્રાન્ત પરથી ચીન દ્વારા ટ્રાવેલ બેનને હટાવી દેવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી આ વિસ્તાર લોકડાઉન હતો. આ વિસ્તારમાં એવી જાહેરાત કરવામાં આવી છેકે હવે સ્વસ્થ વ્યક્તિ મંગળવાર રાતથી અવર-જવર કરી શકશે અને વિસ્તાર પણ છોડી શકશે. જ્યારે વુહાનમાં 8 એપ્રિલથી પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.
23 જાન્યુઆરીથી લોકડાઉન રહેલા 1.1 કરોડની વસ્તીવાળા વુહાન શહેરમાં ચીન સરકારે રાહત આપવાની શરૂઆત કરી દીધી છે. લોકોને કામે જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. જાહર પરિવહન ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહ્યું છે. ચીનના સેન્ટ્રલ લીડિંગ ગ્રુપના પ્રમુખ લી કેકિયાંગે જણાવ્યું હતું કે વુહાનમાં સતત પાંચ દિવસથી કોઈ કેસ નોંધાયો નથી.
સાડા પાંચ કરોડ વસ્તીવાળા હુબેઈ પ્રાન્તને 23 જાન્યુઆરીથી લોકડાઉન કરાયો હતો.તાજેતરના આંકડા મુજબ ચીનમાં હાલ કોરોના વાઈરસના એક્ટિવ કેસ 4735 છે. અહીં કુલ કેસ 81171 નોંધાયા છે. જમાંથી 73159 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 3227 લોકો કોરોનાથી અહીં મોતને ભેટ્યા છે.