વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કરી સેંકડો લોકોને પોતાના સકંજામાં લેનાર કોરોના વાઈરસ હવે વૈશ્વિક અર્થતંત્રને આવનારા દિવસોમાં ગંભીર કટોકટીમાં ધકેલી દેશે, તેમ મૂડીઝ એનાલિટીક્સે જણાવ્યું છે. એશિયા ઉપરાંત યુરોપ તથા અમેરિકાના અર્થતંત્રને કોરોના વાઈરસને લીધે પારાવર નુકસાન થઈ રહ્યું છે. શટડાઉનની નોબત આવી ગઈ.
નોકરીઓમાં છટણી, કારોબારી રોકાણમાં મોટા પ્રમાણમાં કાપ તથા સંપત્તિના ધોવાણ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, તેમ મૂડીઝ એનાલિટીક્સના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક ઝાંડીએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં સેંકડોની સંખ્યામાં નોકરી જઈ શકે છે, ખાસ કરીને દૈનિક રોજીરોટી કમાનારને વ્યાપક પ્રમાણમાં અસર થશે.
કોરોના વાઈરસ અગાઉ જાન્યુઆરી મહિનામાં મૂડીઝે વર્ષ 2020માં 2.6 ટકાના વૈશ્વિક જીડીપીની અપેક્ષા દર્શાવી હતી. હવે જ્યારે પર્યટન, વેપાર અને ઘણાબધા કારોબાર ઠપ્પ થઈ જતા વૈશ્વિક અર્થતંત્રનો જીડીપી 0.4 ટકા ઘટાડો દર્શાવે તેવી શક્યતા છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનનો જીડીપી વાર્ષિક દરે 27 ટકા જેટલો ઘટાડો નોંધાવવા જોઈ રહ્યો છે.
અમેરિકાએ તાત્કાલિક ધોરણે કામદારોની છટણી થઈ રહી છે.
બેરોજગારીને લગતા શરૂઆતી દાવા પ્રમાણે ગયા સપ્તાહ (8 માર્ચના સપ્તાહમાં) બેરોજગારીનું પ્રમાણ 2,80,000 હતું, જે અગાઉના સપ્તાહમાં 2,10,000 હતો. અમેરિકામાં પ્રત્યેક સપ્તાહ આશરે 2,40,000 લોકો રોજગાર વિહોણા થઈ રહ્યા છે.
ફેડરલ રિઝર્વ દ્વારા ગયા વર્ષે એક સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમા લોકોના વેતન અટકાવવામાં કે કાપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. કોરોના વાઈરસ વૈશ્વિકસ્તરે મહામારી છે અને આર્થિક ક્ષેત્ર માટે મોટો આઘાત છે. વિશ્વભરમાં આર્થિક પ્રવૃત્તિઓ અટકી પડી છે, કારોબાર ઠપ્પ થઈ ગયા છે. આ સ્થિતિ આર્થિક દ્રષ્ટિએ ગંભીર પરિણામનું સર્જન કરશે તેમ જ નાણાંકીય રીતે પારાવાર નુકસાન પહોંચાડશે.