દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 512 થઈ ગઈ છે, જ્યારે 9 લોકોના મોત થઈ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 101 કેસની પુષ્ટી થઈ ચુકી છે. બીજા નંબરે કેરળ છે. સાથે જ મંગળવારે મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પુરી રીતે લોકડાઉનની જાહેરાત કરી છે.
આ સાથે જ ચૂંટણી પંચે 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની 55 બેઠકો માટેની ચૂંટણી રદ કરી દીધી છે. દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન મોદી આજે દેશને સંબોધિત કરશે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.કોંગ્રેસના ઈન્ટરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન મોદીને પત્ર લખીને રાજ્યના મકાન અને બાંધકામ કામદારોને વેતનની સહાય આપવાની વિનંતી કરી છે.
તમિલનાડુ સરકાર પણ રાશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા, ખાંડ અને અન્ય જરૂરી સામાન આપશે. મુખ્યમંત્રી ઈકે પલાનીસામીએ કહ્યું કે, લોકોની લાઈન ન લાગે એટલા માટે સામાનની વહેંચણી જ કરવામાં આવશે. દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીની બહાર CAA વિરુદ્ધ પ્રદર્શન કરનારા લોકોને હટાવ્યા છે. યુનિવર્સિટીએ ગેટ નંબર 7 પર થઈ રહેલા પ્રદર્શનને 21 માર્ચે અસ્થાઈ રીતે સ્થગિત કરી દીધું હતું.
નોઈડામાં મંગળવારે સવાર સુધી લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પર 1995 ગાડીઓનું ચલણ કાપવામાં આવ્યું અને 96 એફઆરઆઈ નોંધવામાં આવી. પાંચ રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. દેશભરમાં લોકડાઉન અને કર્ફ્યૂ લાગુ કરવા માટે પોલીસ રસ્તાઓ પર છે.
પોલીસ બેરિકેડિંગ કરીને માત્ર જરૂરી કામો માટે લોકોને અવર જવર કરવા માટેની મંજૂરી આપી રહી છે. દિલ્હીમાં સોમવારે લોકડાઉનના પહેલા દિવસે ઉલ્લંઘન કરવા પર 1012 લોકો પર કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ આંધ્રપ્રદેશ સરકારે કહ્યું છે કે વિદેશથી પાછા આવેલા લોકોની ઓળખ માટે મેડિકલની ટીમો લોકોની ઘરે ઘરે જઈને તપાસ કરશે.