બ્રિટનમાં લોકડાઉન : યુકેમાં મૃત્યુઆંક 335

0
1158

બ્રિટનના હજારો લોકોને મોતના મુખમાંથી ઉગારવાના વધુ એક પગલા તરીકે વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આજે રાતે ડાઉનિંગ સ્ટ્રીટથી રાષ્ટ્રજોગ સંબોધનમાં બ્રિટનમાં આંશીક લોકડાઉનની જાહેરાત કરી હતી. બોરિસ જ્હોન્સને દુકાનો અને ચર્ચોને બંધ રાખવા, લગ્ન, બાપ્ટીઝમ સહિતના અન્ય પ્રસંગો પર અને બેથી વધુ લોકોની મીટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

‘એકદમ આવશ્યક’ હોય અને ઘરે ન થઈ શકે તેવુ કામ (નોકરી) હોય તો અને માત્ર આવશ્યક હોય તેવી જરૂરી ચીજવસ્તુઓની ખરીદી, તબીબી સારવાર – જરૂરિયાતો માટે અથવા દિવસમાં એકવાર વોક, સાયકલીંગ કે દોડવા જેવી ટૂંકી કસરત માટે એકલા કે પરિવારના સભ્ય સાથે જઇ શકાશે તેમ જણાવ્યુ હતુ. તેમણે રમતના મેદાન, ચર્ચો સાથે બિન-આવશ્યક ચીજવસ્તુઓની વેચતી દુકાનો બંધ કરવા આદેશ આપ્યો હતો. પોલીસને આ અસાધારણ પગલાંને અમલમાં મૂકવા માટે દંડ સહિતની સત્તાઓ આપવાની જાહેરાત કરી હતી. આ નિયમોનો દુરૂપયોગ ન થાય તેની ખાતરી કરવા પાર્ક પેટ્રોલીંગ કરવામાં આવશે અને પોલીસને લોકોને દંડ કરવાની અને કોઈપણ જાહેર કાર્યક્રમને વિખેરવાની સત્તા હશે.

બોરિસ જ્હોન્સને જનતા સમક્ષ સરળ સંદેશ આપતાં જણાવ્યુ હતુ કે ‘’તમારે ઘરે જ રહેવું જોઈએ. મોટી સંખ્યામાં તેનું પાલન કરવામાં આવે છે – અને હું તમારો આભાર માનું છું. પણ હવે સમય આવી ગયો છે કે આપણે બધાએ વધુ કરવાનું છે. કોઈ વડા પ્રધાન આના જેવા પગલા ભરવા ઇચ્છતા નથી પણ આ વાયરસના વિકાસને રોકવા માટેના રાષ્ટ્રીય પ્રયત્નો કર્યા વિના ચાલે તેમ નથી. એક ક્ષણ એવી આવશે જ્યારે વિશ્વની કોઈ પણ આરોગ્ય સેવા સંભવત આ વાયરસનો સામનો કરી શકશે નહિ. કારણ કે ત્યાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર, પૂરતા સઘન સંભાળ પથારી, પૂરતા ડોકટરો અને નર્સ નહીં હોય. સરળ શબ્દોમાં કહીએ તો, જો એક સમયે ઘણા લોકો ગંભીર રૂપે બીમાર થઈ જાય તો એનએચએસ પણ તેને નિયંત્રિત કરવામાં અસમર્થ હશે. કોરોનાવાયરસથી નહીં પણ અન્ય બીમારીઓથી પણ વધુ લોકો મૃત્યુ પામે તેવી સંભાવના છે.’’

સરકારની કોબ્રા ઇમરજન્સી કમિટીની બેઠક સાંજે પાંચ વાગ્યે મળી હતી જેમાં અસાધારણ નવા પ્રતિબંધો પર હસ્તાક્ષર કર્યા હતા. આજે એક જ દિવસમાં યુકેના મોતની સંખ્યામાં 54નો વધારો થયો હતો અને વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા એક જ દિવસમાં 967 જેટલી વધી હતી અને કુલ સંખ્યા વધીને 6,650 થઈ ગઈ છે.

તબીબોની વિનંતીઓ છતાં પણ જનતા ‘સામાજિક અંતર’ જાળવતી નથી ત્યારે વડાપ્રધાન બોરિસ જ્હોન્સન પર તેમની જ કેબિનેટના સદસ્યો બ્રિટનભરમાં યુરોપિયન-શૈલીના લોકડાઉન લાદવા માટે ભારે દબાણ કરી રહ્યા છે.

યુકેમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 54 થતા યુકે ભરમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 335 થઇ છે. છેલ્લા 24 કલાકમાં ઇંગ્લેન્ડમાં 46, વેલ્સમાં 4, સ્કોટલેન્ડમાં 4 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં બે લોકોના મૃત્યુ થયા છે. વેલ્સમાં કુલ 16, સ્કોટલેન્ડમાં કુલ 14ના મોત થયા છે. ઇંગ્લેન્ડમાં સત્તાવાર મૃત્યુની સંખ્યા 303 છે. યુકેમાં લગભગ 6,000 લોકોને કોરોનાવાયરસની અસર હોવાનું માનવામાં આવે છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે સાચા આંકડો 300,000 ની આસપાસ હોવાની શક્યતા છે. સરકાર ફક્ત એવા લોકોનો જ ટેસ્ટ કરી રહી છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક પેટ્રિક વાલેન્સે સૂચવ્યું હતું કે યુકે જો નસીબદાર હશે તો આશરે 20,000 જેટલો મૃત્યુઆંક ‘સારુ પરિણામ’ કહી શકાય.

વિકએન્ડમાં સની ડે દેખાતા પાર્ક અને દરિયાકિનારા પર લોકો એકઠા થયા હોવાના દ્રશ્યો ઠેરઠેર નજરે પડે છે ત્યારે યુકેમાં મૃત્યુની સંખ્યા 24 કલાકમાં 48 અને અને કુલ મોતને ભેટાલા લોકોનો આંક 289 થઇ ગયો છે. ઇંગ્લેન્ડમાં મૃત્યુ પામેલા આ લોકોની ઉંમર 18 વર્ષથી માંડીને 102 વર્ષની વચ્ચે છે. આગામી દિવસોમાં ઘર છોડવા માટે આઈડી બતાવવુ જરૂરી થઇ શકે છે અને બિનજરૂરી દુકાનો બંધ થઈ શકે છે. સંશોધન મુજબ સરકારની વર્તમાન નીતિને કારણે હજી પણ કોરોનાવાયરસથી 70,000 જેટલા લોકોના મોત થઇ શકે છે.

યુકેના કોરોનાવાયરસથી મૃત્યુ પામનારાની સંખ્યા 289 ઉપર પહોંચી ગઈ છે. વેલ્સ અને સ્કોટલેન્ડમાં ખૂની ચેપથી ચાર-ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. વેલ્સમાં હવે વાયરસથી કુલ 16 મૃત્યુ નોંધાયા છે, જે ઇંગ્લેન્ડની બહાર યુકેમાં બીજા ક્રમે છે. સ્કોટલેન્ડમાં આ બીમારીમાં 14 દર્દીઓના મોત નીપજ્યાં છે. જ્યારે નોર્ધર્ન આયર્લેન્ડમાં ફક્ત બે જ મૃત્યુ નોંધાયા છે. ઇંગ્લેંડમાં સત્તાવાર કુલ મૃત્યુઆંક 257 છે. , જોકે આજે બપોરે દસ હજાર વધુ જાનહાનિની ​​ઘોષણા કરવામાં આવે છે. યુકેમાં કુલ 5,687 લોકોને કોરોનાવાયરસ છે અને સાચી સંખ્યા 300,000 કરતા વધારે હોવાનુ મનાય છે. દર 1,000 કેસે એક મૃત્યુ માટે વાયરસને જવાબદાર માનવામાં આવે છે.

યુકેમાં ક્યાં કેટલા મૃત્યુ નોંધાયા

સ્થાન            મૃત્યુ    કેસ

લંડન            69      2189

સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ  28      536

સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ  11      242

નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ    12      390

નોર્થ ઇસ્ટ અને યોર્ક્સ         6        368

મિડલેન્ડ્સ     36      624

ઇસ્ટ એન્ગલીઆ       5        274

નોર્ધર્ન આયર્લેન્ડ      2        128

વેલ્સ            16      418

સ્કોટલેન્ડ       14      373

બ્રિટન કુલ     335    6,000

વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યુ હતુ કે ‘’પરિવારોને અલગ રહેવા અને સ્કાયપ અને અન્ય સોશ્યલ મિડીયાના માધ્યમથી મધર્સ ડેની ઉજવણી કરવા તાકીદ કરી હતી. જો લોકો સામાજીક અંતરની સલાહને અવગણશે તો તેઓ ‘કાર્યવાહી કરશે’ તેમાં કોઈ શંકા નથી. જો તમને લાગતુ હોય કે તમે વ્યક્તિગત રીતે સુરક્ષીત છો, તો એવા ઘણા બધા લોકો છે જે તમને ચેપ લગાવી શકે છે.’’

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કેટલાક લોકો દ્વારા ‘સ્વાર્થી’ વર્તન કરાયા બાદ સોમવારે જણાવ્યુ હતુ કે ‘’બહુ જલ્દીથી આકરા પગલાની અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે ઇટાલી અને ફ્રાન્સના પગલાં તરફ ધ્યાન દોર્યું હતું જ્યાં તમામ મ્યુનિસિપલ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે, ઘર છોડવા માટે ફોર્મ ભરવા પડે છે, અને પોલીસ દંડ ફટકારતા પેટ્રોલીંગમાં છે. એનએચએસ સ્ટાફને જરૂરી તમામ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો મળી રહે તેની ખાતરી કરશે.

ટ્રાફિક મોનીટીરીંગમાં જણાયુ હતુ કે હજી પણ સામાન્ય દરની સરખામણીમાં ત્રીજા ભાગનો ટ્રાફિક ચાલી રહ્યો છે. સરકારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ શહેરોથી દૂર કેમ્પસાઇટ્સ પર અને હોલીડે હોમની મુલાકાતે જાય છે તે ‘આવશ્યક મુસાફરી’ ગણાતી નથી.

હજારો વેપારીઓ આ સંકટમાંથી બચી શકશે નહીં તેવી ચેતવણીઓ વચ્ચે ચાન્સેલર ઋષિ સુનક પાંચ મિલિયન સેલ્ફ એમ્પલોઇડ લોકો માટે નવી આર્થિક બેલઆઉટ તૈયાર કરી રહ્યા છે. લોર્ડ ચીફ જસ્ટિસ, લોર્ડ બર્નેટે કહ્યું હતુ કે કોઈ નવા ટ્રાયલ કેસ શરૂ થશે નહીં અને જે ટ્રાયલ ચાલુ છે તેને અટકાવવામાં આવશે. કોરોનાવાયરસનો ભોગ બનેલા હેલ્થ સેક્રેટરી નેડાઇન ડોરીઝ સ્વસ્થ થયા પછી કામ પર પાછા ફર્યા છે.

યુકે મોટી દુર્ઘટના તરફ જઇ રહ્યું છે : લેબર એમપી

સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, લંડનમાં એક્સીડન્ટ એન્ડ ઇમરજન્સી વિભાગના ડૉક્ટર અને ટૂટીંગ, સાઉથ લંડનના લેબર એમપી રોઝેના એલિન-ખાને કહ્યું હતુ કે ‘’કોરોના વાયરસથી યુવાનોને પણ જોખમ છે અને 30-40 વર્ષના યુવાન અને તંદુરસ્ત લોકોને પણ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તેમના જીવન માટે લડતા જોયા છે. ડોકટરોએ વધુ લોકોનો જીવ બચાવવા જલ્દીથી લાઇફ સપોર્ટ મશીનોનુ રેશનિંગ શરૂ કરવુ પડશે. હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ‘ખૂબ જ ઝડપથી’ વધી રહી છે. યુકે મોટી ‘દુર્ઘટના તરફ જઇ રહ્યું છે’ અને લોકોના મારી વિનંતી છે કે તેઓ સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરે અને વ્યસ્ત વિસ્તારોમાં જવાનું બંધ કરે.’’

36 વર્ષીય હેલ્થકેર આસીસ્ટન્ટ અને ત્રણ બાળકોની માતા અરીમા નસરીનને કોરોનોવાયરસની બીમારીને કારણે વૉલસૉલ મેનોર હોસ્પિટલ, વેસ્ટ મિડલેન્ડ્સમાં સારવાર અપાઇ રહી છે.

સરકારે રેલ્વે નેટવર્કનો ઇમરજન્સી કંટ્રોલ હાથમાં લીધો

કોરોનાવાયરસ રોગચાળાને કારણે થતાં પતનને ટાળવા માટે સરકારે રેલ્વે નેટવર્કનો ઇમરજન્સી કંટ્રોલ લઇ લીધો હતો. રેલ ક્ષેત્રે વિક્ષેપ ઓછો કરવા, નોકરીઓનું રક્ષણ કરવા અને ચાવીરૂપ કામદારો મુવ થઇ શકે તે માટે ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટે (ડીએફટી) છ મહિના માટે ફ્રેન્ચાઇઝીને સ્થગિત કરી છે. બોરીસ જ્હોન્સને ઘરેથી કામ કરવાનું કહેતા આંકડા દર્શાવે છે કે મુસાફરોની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો થયો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે તેઓ રેલ કર્મચારીઓ અને મુસાફરોને મદદ કરશે.

વાલીઓએ શાળાઓ પર જઇને હલ્લો બોલાવ્યો

શાળાઓ બંધ થયા બાદ કેટલાક ‘બિન-આવશ્યક’ નોકરીવાળા વાલીઓએ તેમના બાળકોને શાળામાં ભણાવવા માટે શાળાઓ પર જઇને હલ્લો બોલાવ્યો હતો. જેને પગલે ખરેખર જે લોકો કી વર્કર છે અને કોરોનાવાયરસ સામે લડી રહ્યા છે તેમના બાળકોને શાળાના શિક્ષકોએ પ્રવેશ આપ્યો ન હતો. નિષ્ણાતોના મત મુજબ સોમવારે બે મિલિયન વિદ્યાર્થીઓએ શાળામાં જવાનો પ્રયાસ કર્યો હશે. શાળાને શિક્ષકોએ અને કર્મચારીઓએ શાળાના દરવાજા પર પેરેન્ટ્સના આઇડી ચેક કર્યા હતા. નેશનલ એસોસિએશન ઑફ હેડટિચર્સ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સિસ્ટમનો દુરુપયોગ ન કરે.

નાના બાળકો પણ કોરોનાવાયરસથી સુરક્ષિત નથી

ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે નાના બાળકો અને 12 વર્ષના બાળકો પણ કોરોનાવાયરસથી સુરક્ષિત નથી. ચેપ બાળકો અને યુવાનોમાં પણ ફેલાઇ શકે છે જેનાથી ન્યુમોનિયા થવાથી તેમના અવયવોને નુકશાન થઇ શકે છે અને બાળકો મરી શકે છે. યુ.એસ.માં એટલાન્ટામાં 12 વર્ષની બાળાને ચેપ લાગતા હાલ તે વેન્ટિલેટર પર જીવ બચાવવા માટે લડી રહી છે. ચીનના ડેટા બતાવે છે કે ઘણા બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ કોઈનું મોત થયું નહતુ. ગઈકાલે બહાર આવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં એક 18 વર્ષિય યુવાનનું મોત COVID-19 થી થયું હતું.

આ જીવલેણ બીમારીમાં બાળકોને પેટમાં દુખાવો જેવા અસામાન્ય લક્ષણો અને ઉધરસ-તાવ આવે છે. ચીનમાં થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે દેશમાં દર દસ દર્દીઓમાંથી લગભગ એક દર્દી 30 વર્ષથી ઓછી ઉંમરનો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાઓએ કહ્યું છે કે યુવાનો ‘અજેય નથી’ અને તેઓ હોસ્પિટલમાં ‘અઠવાડિયા સુધી’ સારવાર લેવી પડે છે. કાર્ડિફમાં પિતા પાસેથી વાયરસનો ચેપ લાગતા છ મહિનાના બાળકની તબિયત લથડી છે.

વૃદ્ધોને સહાય માટે એઇડ પેક: હજારો સ્વયંસેવકો તૈયાર

હેન્ડવોશ અથવા સેનિટાઇઝર ખરીદી નહિ શકવા બદલ એક વૃદ્ધ મહિલાને સુપરમાર્કેટની બહાર રડતી જોનાર ફેલકર્કના અસિયા અને જાવદ જાવેદ પોતાની બચતનો ઉપયોગ વૃદ્ધ લોકોને દૈનિક જરૂરીયાતોનો સામાન પૂરો પાડવા માટે કરી રહ્યા છે. ડે ટુડે એક્સપ્રેસ નામની કોર્નર શોપ ધરાવતા દંપતીએ £2,000 ની બચતનો ઉપયોગ કરીને સાબુ, જેલ અને માસ્કની બેગો બનાવી વૃદ્ધ પાડોશીઓને મફત પહોંચાડી રહ્યા છે. તેમણે £2ની કિંમતનુ એક એવા 2,000થી વધુ બેગ પહોંચાડી છે. તેમના સપ્લાયર, યુનાઇટેડ હોલસેલે £1000નું યોગદાન આપ્યું છે તો કેટલાક ગ્રાહકોએ સો-સો પાઉન્ડનું દાન કર્યું છે. જ્યારે બેગ પહોંચાડવા માટે સોકો સેવા આપી રહ્યા છે. જાવેદના ત્રણ બાળકોએ તેમની પિગી બેંકો ખાલી કરી અને સ્પેઇનમાં રદ થયેલી રજાના બચાવેલા પૈસા આપ્યા છે.

અગિયાર દિવસ પહેલા યુનિવર્સિટી કૉલેજ લંડનની વિદ્યાર્થીની સેરેન જોન-વુડે (24) એક પત્રિકા બનાવી વૃદ્ધ અને નિર્બળ લોકોને મદદ કરવા લુઇશામમાં મિત્રોના કોમ્યુનિટી ગૃપની ફેસબુક સાઇટ પર પોસ્ટ કરી હતી. તે વાયરલ થઈ જતા 1,800થી વધુ મ્યુચ્યુઅલ એઇડ જૂથો દેશભરના શહેરો, નગરો અને ગામોમાં ઉભા થયા છે. આજે તેમની સેના 5થી 10 લાખ લોકોની થઇ ગઇ છે જેઓ ડોર ટુ ડોર ડોર પત્રિકાઓ આપી જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. તેઓ લોકો માટે ખરીદી કરે છે, પ્રિસ્ક્રિપ્શનો લે છે, કૂતરાઓને વૉક કરવા લઇ જાય છે અને ટેલિફોન પર આઇસોલેટ લોકો સાથે વાત કરે છે.

હિન્દુ સ્વયંસેવક સંઘ અને સેવા દ્વારા પણ લોકોને મદદ કરવાનું કાર્ય શરૂ થયુ છે.

આજ રીતે ફીડિંગ બ્રિટન સંગઠને 60,000 ગરીબ બાળકોને ખવડાવવાની પહેલ કરી 1,000 સ્વયંસેવકોને એકત્રિત કર્યા છે. ‘મેડ ઇન હેકની’ કમ્યુનિટિ કુકરી સ્કૂલે ઇસ્ટ લંડન બરોમાં કેટલાક ઘરોમાં મફત ભોજન પહોંચાડવા માટે £33,000 એકત્ર કર્યા છે. આ અઠવાડિયાથી વિરાલની એગ્રેમોન્ટ પ્રાથમિક શાળાએ તેના વિસ્તારના 200 સ્થાનિક વંચીત બાળકોને ખવડાવવા માટે તેની શાળાના રસોડાઓનો ઉપયોગ કરનાર છે.

વેસ્ટ લંડનની ઇલિંગ ફૂડબેન્કે 30થી વધુ વૃદ્ધ સ્વયંસેવકો ગુમાવ્યા છે, પરંતુ 50 કરતા વધુ યુવાન મેળવ્યાં પણ છે. આસ્ડાએ ફૂડ બેંકના ઑપરેટર્સ ફેઅરશેર અને ટ્રસેલ ટ્રસ્ટને £5 મિલિયન આપનાર છે. જે વાયરસથી પ્રભાવિત પરિવારોને ચાર મિલિયન ભોજન પૂરા પાડશે.

પેઈનકિલર્સ દવાઓના ભાવ આસમાને

પેઈનકિલર્સ દવાઓના ભાવ આસમાને જઇ રહ્યા છે અને માંગને પહોંચી વળવા માટે ફાર્માસિસ્ટ્સ સંઘર્ષ કરી રહ્યા છે. કોરોનાવાયરસના કારણે સામાન્ય દવાઓની માંગ વધતા દવાઓની તંગી ઉભી થઇ છે. લોકો દ્વારા દવા માટે કેમિસ્ટ પાસે કરાતી માંગમાં વધારો થયો છે. કેટલાક જી.પી. 14 અથવા 28 દિવસના બદલે 84 દિવસ સુધી ચાલે તેટલી દવીના પ્રિસ્ક્રિપ્શનો પર સહી કરીને રાષ્ટ્રીય માર્ગદર્શિકાનો ભંગ કરે છે.

જથ્થાબંધ ભાવો ચાર ગણા વધી જતા પેરાસીટામોલના એક પેકેટ માટેના જથ્થાબંધ ભાવો 65 પેન્સથી વધીને £2.38 ઉપર પહોંચી ગયા છે. સરકારના ચિફ ફાર્માસ્યુટિકલ ઑફિસર ડો. કીથ રિજે ફાર્મસીઓને સાબુ, હેન્ડ સેનિટાઇઝર અને ઓવર-ધ કાઉન્ટર દવાઓ મર્યાદીત પ્રમાણમાં આપવા જણાવ્યુ છે. જથ્થાબંધ વેપારી તેમના ભાવોમાં વધારો કરી રહ્યા છે પરંતુ ફાર્મસીઓ એનએચએસ પાસેથી વધારાના ખર્ચની ભરપાઈ કરે તે જરૂરી નથી. પેરાસીટામોલની તંગીના અહેવાલો પણ છે.

‘કોરોનાવાયરસ ટેસ્ટ કરી અઠવાડિયામાં £2.5 મિલીયન મેળવતા ડોક્ટર

56 વર્ષના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. માર્ક અલીએ £375ના એક ટેસ્ટ લેખે 6,600થી વધુ કોરોનાવાયરસ ટેસ્ટ કિટ્સ વેચીને એક જ અઠવાડિયામાં £2.5 મિલીયનની કમાણી કરી લીધી હતી. જે માલેતુજારો તેમને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે કે નહિ તેની તપાસ કરવા માંગતા હતા તેમને આ કીટ વેચવામાં આવી હતી. આ ટેસ્ટ કીટના ત્રણ ગણા ભાવ લેવાયા હતા.

આ ટેસ્ટ કીટ તેમણે પોતાની કંપની, પ્રાઇવેટ હાર્લી સ્ટ્રીટ ક્લિનિક લિમિટેડ દ્વારા વેચી હતી. જેનુ નામ વિખ્યાત હાર્લી સ્ટ્રીટના નામ પરથી રખાયુ છે પણ તે કંપની પ્રખ્યાત હાર્લી સ્ટ્રીટથી દૂર નોર્થ લંડનમાં ડો. માર્કના ફ્લેટમાં સ્થિત છે. કંપનીએ કેટલાક દિવસોમાં ફોન લેવા માટે એજન્સીઓના કર્મચારીઓને રાખ્યા હતા.

ધ ટાઇમ્સની તપાસમાં જાણવા મળ્યુ હતુ કે “ક્લિનિક” કોરોનાવાયરસ ટેસ્ટ માટે માર્કેટિંગ ફ્રન્ટ તરીકે કામ કરે છે અને બાર્ન્સલીની ઇન્ટરમીડીએટરીને ગ્રાહકોની માહિતી પસાર કરે છે. આ ટેસ્ટના વિશ્લેષણનું કાર્ય ખરેખર રેન્ડોક્સ લેબોરેટરીઝ, ક્રમલિન, નોર્ધર્ન આયર્લન્ડ દ્વારા કરાય છે જે વી જ ટેસ્ટ કીટ £120માં લોકોને વેચે છે.

સુપરમાર્કેટના સ્ટાફે તાળીઓ પાડી ફૂલોથી વધાવતાં એનએચએસ સ્ટાફની આંસુમાં આંસુ

વેલ્સના સ્વૉન્સી ખાતે આવેલા ટેસ્કો સુપરમાર્કેટમાં આજે સ્ટોરના તમામ કર્મચારીઓ લાઇનમાં ઉભા રહ્યા હતા અને એનએચએસના નર્સો અને ડોકટરો શોપીંગ માટે આવતા તેમનુ તાળીઓ પાડીને અને ફૂલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મોકળા મને વધાવવામાં આવતા એનએચએસ સ્ટાફની આંખોમાં આંસુ આવી ગયી હતા. એન.એચ.એસ. કાર્યકરોએ તેમને મળેલા ફૂલોની તસવીરો સોસ્યલ મિડીયી પર પોસ્ટ કરી હતી. ટ્રુરો, ન્યુટન અને શ્રુસબરીના સ્ટોર્સમાં પણ ફૂલોના ગુલદસ્તા અપાયા હતા.

દેશભરના એનએચએસ કાર્યકરોએ આ સમર્થનની સરાહના કરી હતી.

લોકોના પેનીક શોપીંગથી ત્રાસીને ટેસ્કો, સેન્સબરી તથા અન્ય સુપરમાર્કેટ્સ દ્વારા ગયા અઠવાડિયે એનએચએસના સ્ટાફ, નિર્બળ લોકો અને કી વર્કર સુપરમાર્કેટમાં ખરીદી કરી શકે તે માટે ચોકક્સ સમર્પિત સમય નક્કી કરવામાં આવ્યો હતો.

એક દુકાનદારે કહ્યું: ‘અમારા એનએચએસ કાર્યકરોનો આભાર માનવાનો આ સમય છે. તેઓ ચોવીસે કલાક કામ કરે છે અને બીજાઓને બચાવવા પોતાનો જીવન જોખમમાં નાખે છે. તેઓ રોજના હીરો છે.’