બ્રિટને કોરોના વાઈરસના રોગચાળા સામે લડવા માટે હજારો વેન્ટિલેટર બનાવવા માટે ઇન્ડસ્ટ્રીને કરેલી અપીલ રંગ લાવી છે અને ટોચની અડધા ડઝનથી વધુ કંપનીઓએ એક પ્રોટોટાઇપ તૈયાર કરી લીધું છે અને આવતા અઠવાડિયાના અંત સુધીમાં હોસ્પિટલોમાં ઉપયોગ માટે વેન્ટિલેટર તૈયાર થઇ જશે.
હેલ્થ સેક્રેટરી હેનકોકે બીબીસી ટીવીને કહ્યું હતુ કે કે, “કંપનીઓના પહેલેથી જ બનાવાયેલા પ્રોટોટાઇપની ચકાસણી કરી યોગ્ય ગુણવત્તાથી અમે ખુશ હોઇશુ તો તેના ઉત્પાદનની મંજુરી અપાશે. શક્ય તેટલા વધુ વેન્ટીલેટર બનાવવાની જરૂર છે અને અમે તે ખરીદી લઇશું. એનએચએસ માટે આ એક મોટી સમસ્યા છે અને વિશ્વભરમાં અન્ય દેશોને પણ વેન્ટિલેટરની જરૂર છે.
બ્રિટનની એરોસ્પેસ અને કાર કંપનીઓએ મૂળભૂત વેન્ટિલેટર બનાવવા માટે ત્રણ ટીમોની રચના કરી છે. સિવિલ એરોસ્પેસ અને મિલિટરી ફાઇટર પ્રોગ્રામ માટે ઓક્સિજન સિસ્ટમ્સ સહિતના ઘટકોનું નિર્માણ કરનારી મેગિટ પીએલસી, જી.કે.એન., થેલ્સ એસ.એ. અને રેનિશો પી.એલ.સી. સાથે મળીને એક સંઘનું નેતૃત્વ કરી રહી છે. કાર ઉત્પાદક મેકલેરેન વેન્ટિલેટરના સરળ સંસ્કરણની ડિઝાઇન અને નિસાન મોટર વેન્ટિલેટરના ઉત્પાદકોને ટેકો આપી રહી છે.
આ વેન્ટિલેટર મશીનો માણસના ફેફસાંની અંદર ઓક્સિજન ધકેલવાનુ અને કાર્બન ડાયોકસાઈડ બહાર કાઢવાનુ કામ કરે છે. જે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા કોરોના વાઈરસ દર્દીઓને મદદરૂપ બને છે. ચીનમાં આ મહિનાની શરૂઆતમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક બીવાયડીએ એક દિવસમાં 5 મિલિયન ફેસ માસ્ક અને 300,000 બોટલ હેન્ડ સેનિટાઈઝર બનાવવાનું શરૂ કર્યું હતું.