માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું છે કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોનાવાઈસ સામે ટક્કર આપવા કટિબદ્ધ છે. બુધવારે સોશિયલ મીડિયા પર ગેટ્સે વાઈરસનો પ્રતિકાર કરવા માટે 100 મિલિયન ડોલર(751 કરોડ રૂપિયા)ની મદદની જાહેરાત કરી છે.
પોતાના શહેર વોશિંગ્ટન માટે 50 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગેટ્સે કહ્યું કે તેમનું ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોનાની દવા અને તેની રસી વિકસિત કરનારની સાથે મળીને કામ કરી રહ્યું છે. હાલના સમયમાં સંક્રમણના મોટાભાગના મામલાઓ અમીર દેશોમાં છે. તેમણે તેને રોકવા માટે યોગ્ય રીતે કામ કરવું જોઈએ.
ગેટ્સે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તમામ દેશોમાં કોરોનાથી બચી શકાય તેવા ઉપકરણો ઉપલબ્ધ હોય. અમે ફેબ્રુઆરીમાં ઘણી ચીજો માટે 1000 કરોડ રૂપિયા આપ્યા હતા અને આમ કરતા રહીશું. અમારી પ્રાથમિકતા છે કે દવા અને રસીના નિર્માણની ક્ષમતા પુરતી હોય, જેથી વધુમાં વધુ લોકોની મદદ કરી શકાય.
ગેટ્સના જણાવ્યા મુજબ, કોરોનાનું સંક્રમણ રોકવા માટે સાવચેતી રાખનારા દેશો ઝડપથી તેમની મૂળ સ્થિતિમાં આવી જશે. યોગ્ય રીતે શટડાઉન અને ટેસ્ટિંગ કરવા પર 6થી 10 સપ્તાહમાં સંક્રમણના થોડા જ કેસો રહેશે. આવી સ્થિતિમાં દેશ ફરીથી તમામ બંધ સુવિધાઓ પ્રાપ્ત કરી શકશે.
સોશિયલ આઈસોલેશન અને ટેસ્ટિંગ ખરેખર સંક્રમણ રોકવામાં ઉપયોગી છે. બેથી ત્રણ મહિના સુધી સંક્રમણના કેસોવાળા દેશોએ સોશિયલ આઈસોલેશન અને ટેસ્ટિંગ કરાવવું જોઈએ. તેનાથી સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાતું અટકાવી શકાશે.