અકસ્માતમાં બંને હાથ ગુમાવી ચૂકેલી શ્રેયા સિદનાગૌડાને ડૉક્ટરોએ પુરુષના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત કહી તો એક પળ તો એ પણ ચોંકી ગઈ હતી પરંતુ કોઈ વિકલ્પ નહીં હોવાથી તેને હા પાડી હતી. શ્રેયા કહે છે કે નવા હાથ મોટા, શ્યામ અને વજનદાર હતા. હથેળી પહોળી હતી. આંગળીઓ પુરુષ જેવી હતી. વાળ પણ ઘણા હતા. શ્રેયાની માતા સુમા કહે છે કે કોઈને ખ્યાલ નથી આવતા કે પુરુષના હાથ છે.
શ્રેયા હવે બંગડી પણ પહેરે છે. નેલ પોલીશ પણ કરે છે. ડૉક્ટર પણ આ પરિવર્તનથી અચંબામાં છે. શ્રેયા 2016માં પૂણેથી કર્ણાટક બસમાં જઈ રહી હતી ત્યારે તેની બસ પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં તેના બંને હાથ જતા રહ્યાં. ત્યારે તેની વય 18 વર્ષની હતી. શ્રેયાએ પ્રોસ્થેટિક હાથના ઉપયોગનો પ્રયાસ કર્યો પણ સફળતા ના મળી. થોડા સમય પછી શ્રેયાએ કેરળની એક હોસ્પિટલમાં હાથ ટ્રાન્સપ્લાન્ટ અંગે વાંચ્યું.
જ્યારે તેઓ કો-ઓર્ડિનેટરને મળ્યાં ત્યારે તેમને ડૉનરની સમસ્યા કહી. તેમને નિરાશા થઈ પરંતુ એક કલાકમાં જ ફોન આવ્યો કે એર્નાકુલમમાં એક કોલેજ વિદ્યાર્થી બાઈક એક્સિડન્ટમાં બ્રેઇનડેડ જાહેર થયો છે. તેનો પરિવાર હાથ ડોનેટ કરવા તૈયાર હતો.
9 ઓગસ્ટ 2017ના રોજ 36 ડૉક્ટરની ટીમે 13 કલાકમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. દોઢ વર્ષ સુધી શ્રેયાની ફિઝિયોથેરાપી ચાલી. તેના હાથમાં પરિવર્તન અંગે ડૉ. સુબ્રમણ્યમ ઐયર કહે છે કે એમ.એસ.એચ. નામના હોર્મોનને કારણે આવું શક્ય છે. તે મગજથી નિયંત્રિત થતા મેલેનિનના ઉત્પાદનને વધારે છે.