અનિલ અંબાણીએ તેમની માલિકી હેઠળના રિલાયન્સ ગ્રૂપ પર સંક્ટગ્રસ્ત યસ બેન્કનું ભારે-ભરખમ બાકી લેણું હોવાની વાત સ્વીકારી છે. રિલાયન્સ ગ્રૂપે આજે બુધવારે કહ્યું કે, તેમની કંપનીઓ ઉપર યસ બેન્કનું જે પણ દેવું છે, તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કંપની તેની પરત ચૂકવણી કરશે. રિલાયન્સ ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું કે,તેઓ પોતાની સંપત્તિઓ વેચીને યસ બેન્કના સંપૂર્ણ દેવાની ચૂકવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.
રિલાયન્સ ગ્રૂપે કહ્યું કે, રિલાયન્સ ગ્રૂપ ઉપર યસ બેન્કના પૂર્વ સીઇઓ રાણા કપૂર, તેમની પત્ની કે દિકરી કે રાણા કપૂર કે તેમના પરિવાર દ્વારા નિયંત્રણ કોઇ પણ કંપનીનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ દેવું નથી. રિઝર્વ બેન્ક દ્વારા યસ બેન્કના બોર્ડનું વિસર્જન કરવાની સાથે તેની ઉપર પ્રતિબંધો લાદવાના પગલાં બાદ નાણાંપ્રધાન નિર્મલા સિતારમને કહ્યું હતું કે રિલાયન્સ ગ્રૂપ તથા સુભાષ ચંદ્રના એસ્સલ ગ્રૂપ ઉપર યસ બેન્કના જંગી લેણાની વસૂલાત બાકી છે.
યસ બેન્કના 10 મોટા કોર્પોરેટ ગ્રૂપ સાથે સંકળાયેલી લગભગ 44 કંપનીઓની પાસે કથિત રીતે 34,000 કરોડ રૂપિયા ફસાયેલા છે. જેમાં અનિલ અંબાણીની ગ્રૂપ કંપનીમાંથી નવ કંપનીઓ પાસેથી 12,800 કરોડ રૂપિયા અને સુભાષ ચંદ્રાની માલિકીના એસ્સલ ગ્રૂપ પાસેથી રૂ.8400 કરોડની લોનની વસૂલાત કરવાની બાકી છે.
યસ બેન્કે જે કોર્પોરેટ કંપનીઓ પાસેથી જંગી લોનની વસૂલાત કરવાની બાકી છે તેમાં ડીએચએફએલ ગ્રૂપ, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન, જેટ એરવેઝ, કોક્સ એન્ડ કિંગ્સ તથા ભારત ઇન્ફ્રામાં મોટી રકમ ફસાયેલી છે. રિલાયન્સ ગ્રૂપે કહ્યું કે, યસ બેન્કનું રિલાયન્સ ગ્રૂપ ઉપર જે પણ બાકી લેણું છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અમે તેનું રિપેમેન્ટ કરી દઇશું.