મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 85 રને હરાવી પાંચમી વાર વર્લ્ડ કપ ટ્રોફી હાંસલ કરી હતી. ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 184 રન કર્યા હતા. જવાબમાં ભારતીય મહિલા ટીમ 19.1 ઓવર્સમાં 99 રનમાં ઓલ આઉટ થઈ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા રેકોર્ડ પાંચમી વાર કપ વિજેતા બન્યું છે.
યજમાન ટીમ છઠ્ઠી વાર ફાઇનલમાં પહોંચી હતી, તો ભારતીય ટીમ માટે આ પહેલી ફાઇનલ હતી. ભારતની દીપ્તિ શર્માએ સૌથી વધુ 33 રન કર્યા હતા, તો વેદા કૃષ્ણામૂર્તિએ 19 અને ઋચા ઘોષે 18 તથા સ્મૃતિ મંઘાનાએ 11 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેગાન સ્કટે ચાર અને જેસ જોનાસને ત્રણ વિકેટ લીધી હતી, તો સોફી, ડેલિસા કિમિંસ અને નિકોલા કેરીએ એક-એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બેથ મૂનીએ સૌથી વધુ 78 રન તથા એલિસા હિલીએ 39 બોલમાં 75 રન કર્યા હતા. ભારત માટે દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 38 રન આપી 2 વિકેટ લીધી હતી. લગભગ 80,000 પ્રેક્ષકોએ આ મેચ નિહાળી હતી.
એ પહેલા, ચારેય ગ્રુપ મેચમાં ભારત અજેય રહ્યું હતું, તો ઈંગ્લેન્ડ સામે સીડનીમાં સેમિફાઈનલ મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. તે મેચ માટે રીઝર્વ ડે રખાયો નહોતો અને તેના કારણે ગ્રુપમાં ટોપ પર રહ્યાના કારણે ભારત ફાઈનલમાં પહોંચી ગયું હતું.