ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલી ખાનગી બેન્ક યસ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.
આરબીઆઈએ એક મહિના માટે યસ બેન્કના ખાતેદારોને ખાતામાંથી ઉપાડ પર રૂ. 50,000ની મર્યાદા નિશ્ચિત કરી દીધી છે. હાલ આ પ્રતિબંધ 5મી માર્ચથી 3જી એપ્રિલ સુધી અમલમાં રહેશે. આરબીઆઈએ ગુરૂવારે રોકડની સમસ્યાનો સામનો કરી રહેલી યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ ભંગ કરતાં તેના પર વહીવટદારની નિમણૂક કરી દીધી છે.
આરબીઆઈએ બેન્કના થાપણદારો પર ઉપાડની મર્યાદા સહિત આ બેન્કના કારોબાર પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો મુકી દીધા છે.આ સાથે આરબીઆઈએ યસ બેન્કનું નિયંત્રણ ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં નાણાકીય સંસૃથાઓના એક જૂથને સોંપવાની તૈયારી કરી છે.
આરબીઆઈએ મોડી સાંજે એક નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે યસ બેન્કના બોર્ડને તાત્કાલિક અસરથી ભંગ કરી દેવામાં આવે છે અને એસબીઆઈના ભૂતપૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને યસ બેંકના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. અગાઉ લગભગ છ મહિના પહેલા રિઝર્વ બેન્કે મોટું કૌભાંડ સામે આવ્યા પછી પીએમસી બેન્કના કિસ્સામાં પણ આ પ્રકારનું પગલું ઉઠાવ્યું હતું. યસ બેંક ઘણા સમયથી ડૂબેલા દેવાંની સમસ્યાનો સામનો કરી ઔરહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આરબીઆઈએ સરકાર સાથે ચર્ચા મસલત કર્યા પછી આ નિર્ણય લીધો હતો. યસ બેન્કનું બોર્ડ છેલ્લા છ મહિનાથી જરૂરી ભંડોળ ઊભું કરવામાં નિષ્ફળ રહેતાં આરબીઆઈએ તેને પણ વિખેરી નાંખ્યું છે.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિશ્વસનીય પુનર્ગઠન યોજનાના અભાવે અને બેન્કોના થાપણદારોના જાહેરત હિતમાં આરબીઆઈ એવા આકલન પર પહોંચી છે કે સરકાર પાસે વર્ષ 1949ની બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 45 હેઠળ યસ બેન્ક પર નિયંત્રણો લાદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
નિવેદનમાં જણાવાયું હતું કે બેન્ક મેનેજમેન્ટે એવા સંકેત આપ્યા હતા કે તે વિવિધ રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને તેઓ સફળ થશે તેવી સંભાવના હતી.
બેન્ક મૂડી રોકાણની તકો માટે કેટલીક ખાનગી કંપનીઓ સાથે પણ વાટાઘાટો કરી રહી હતી. આ રોકાણકારોએ આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.