ગુજરાતી પત્રકારત્વના ભીષ્મપિતામહ અને બ્રિટિશ એશિયન મીડિયાના અગ્રણી પ્રણેતા રમણિકલાલ સોલંકીનું રવિવાર, 1 માર્ચે અમદાવાદ ખાતે ટુંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતા. શ્રી સોલંકીને સ્ટ્રોકનો હુમલો આવતા ગયા સપ્તાહે અમદાવાદની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમણે શાંતિમય રીતે દેહ છોડ્યો હતો. તેમના અવસાન બાદ સંતો, રાજનેતાઓ સહિત અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
લોર્ડ કરણ બીલીમોરિયાએ શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યુ હતુ કે “આ કરૂણ પ્રસંગે હું તમારા અને તમારા પરિવારના લોકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ અને શોક વ્યક્ત કરૂ છું. ભગવાન તમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. મેં ત્રણ દાયકા પહેલા એક ઉદ્યોગસાહસિક તરીકે પ્રવાસ શરૂ કર્યો ત્યારથી જ હું રમણિકલાલ સોલંકીને જાણું છું. તેઓ એક અનંત અને તેમના અદભૂત સ્મિત થકી સર્વવ્યાપી હતા! તેમણે મને જે હુંફ આપી છે તે માટે હું હંમેશાં તેમનો પ્રશંસક રહીશ.” – લોર્ડ કરણ બીલીમોરિયા
લોર્ડ નવનીત ધોળકિયાએ જણાવ્યું હતું કે “ગરવી ગુજરાતના તંત્રી તરીકે તેઓ એક સુપ્રસિદ્ધ વ્યક્તિત્વ હતા, જેમણે યુનાઇટેડ કિંગડમના સૌથી સફળ અખબારી સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આપણા વતન બનાવેલા આ દેશના ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરવાના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાને બચાવવા માટે તેમના પ્રયત્નો અથાક અને નીડર હતા. તેમના નિધનથી આપણે એક ચેમ્પિયન ગુમાવ્યો છે જેમનુ નામ એશિયન સમુદાયના દિગ્ગજોના ઇતિહાસમાં ઉમારવામાં આવશે.” – લોર્ડ નવનીત ધોળકિયા
સીમા મલ્હોત્રાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યુ હતુ કે “અમારા હૃદય ભાંગી પડ્યા છે. તેઓ કેટલો અદભૂત અને વિશેષ વ્યક્તિ હતા. તેઓ ઘણા લોકોના પ્રિય હતા. હું તેમને જાણી શકી તે માટે મારી જાતને ખુશનસીબ માનુ છું અને તેમના વારસા બદલ મને ખૂબ જ ગર્વ છે. આ દુ:ખદ પ્રસંગે અમારો પ્રેમ અને લાગણી તમારી સાથે જ છે.” – સીમા મલ્હોત્રા, એમપી
ભૂતપૂર્વ એમપી કીથ વાઝે શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યુ હતુ કે “રમણીકલાલ સોલંકીનું અવસાન એક યુગનો અંત દર્શાવે છે. બ્રિટિશ એશિયન પત્રકારત્વનો તેઓ મહત્વપૂર્ણ ભાગ હતા, રાણીએ બે વખત સન્માનિત કર્યા હતા અને છેલ્લાં ચાર દાયકામાં બ્રિટીશ એશિયન સમુદાયે કરેલી નોંધપાત્ર પ્રગતિની વાત કહેનારા મુઠ્ઠીભર લોકો પૈકીના એક હતા. સાઉથ લંડન સ્થિત તેમના હાઉસ ઑફ જર્નાલિઝમની સફળતા છતાં તેમના મૂળિયા બ્રેન્ટ અને નોર્થ લંડન સહિત દેશભરમાં વ્યાપેલા હતા. એક વ્યક્તિ તરીકે તેઓ દયાળુ, નમ્ર અને પ્રેમાળ હતા. પરંતુ સાથે સાથે તેઓ એક હોશિયાર, અસરકારક અને મોટા પાયે સફળ બિઝનેસમેન હતા. તેઓ રાજકુમારો અને વડા પ્રધાનો સાથે કદમ મિલાવવા સક્ષમ હોવા છતાં સામાન્ય વ્યક્તિ સાથેનો સંપર્ક ક્યારેય ગુમાવ્યો નહોતો. તેમનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ એવો હતો કે તેમના અંતિમ દિવસો ત્યાં જ વિતાવ્યા હતા. ઓમ શાંતિ શાંતિ.” – કીથ વાઝ, ભૂતપૂર્વ એમપી
બ્રિટીશ ઉદ્યોગપતિ, ફીલાન્થ્રોપિસ્ટ અને લિબરલ ડેમોક્રેટ નેતા રૂમી વરજી, સીબીઇએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યુ હતુ કે “શ્રી રમણિકભાઇ સોલંકીના અવસાનના સમાચાર મળતાં મને ખૂબ જ દુ:ખ થયું છે. તેઓ વિશાળ વ્યક્તિત્વના સ્વામી હતા. તેઓ સમુદાયમાં વિશાળ, કુટુંબમાં વિશાળ અને માનવતામાં પણ વિશાળ ગૌરવ ધરાવતા હતા તેમજ દયા અને જ્ઞાનનુ શ્રેષ્ઠ ઉદાહરણ હતા. આપણે સૌ તેમની ખોટ અનુભવીશુ. તેઓ મને ઓળખતા હતા તે જાણી મને ખૂબ ગર્વ થાય છે. ” – લોર્ડ રૂમી વરજી, સીબીઇ
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસ્ડન, લંડનના ટ્રસ્ટી ડો. મયંક શાહે જણાવ્યુ હતુ કે ‘’માત્ર પરિવાર જ નહીં પરંતુ યુકેભરના ભારતીય સમુદાયને એક દુ:ખદ ખોટ પડી છે. બીએપીએસએ એક વૃદ્ધ અને આદરણીય મિત્ર ગુમાવ્યો છે. કેટલો સંયોગ છે કે મારા પપ્પા અને તેઓ એકબીજાને લાંબા સમયથી જાણતા હતા. આજે મારા પપ્પાની પૂણ્યતિથિ પણ છે. અમારી પ્રાર્થના અને હુંફ તમારી સાથે છે.” – ડો. મયંક શાહ
પૉલ ઉપ્પલે જણાવ્યુ હતુ કે ‘’શ્રી રમણિકભાઇ હંમેશાં તેમના વર્તનમાં માયાળુ અને મોહક હતા. તેઓ અદભૂત સંસ્કાર વારસો ધરાવતા હતા. તેઓ સદાય અમારા હૃદયમાં અને પ્રાર્થનામાં રહેશે.” – પૉલ ઉપ્પલ (ભૂતપૂર્વ સંસદસભ્ય)
“શ્રી રમણિકભાઇ સોલંકીએ ઘણા લોકોના જીવનમાં મોટું યોગદાન આપ્યું છે. નીના અને હું તમને અને તમારા કુટુંબને આ કપરા સંજોગોમાં અમારું હૃદયપૂર્વક સમર્થન આપીએ છીએ.”- નીના વાડિયા અને રાયમંડ મિર્ઝા
એન.સેઠિયા જૂથના ચેરમેન અને એમડી નિર્મલ સેઠિયાએ જણાવ્યુ હતુ કે ‘રમણિકભાઈના દુ:ખદ અવસાનથી ખૂબ જ દુ:ખ થયુ. તેઓ સંપૂર્ણપણે નમ્ર હતા અને બ્રિટનમાં ભારતીય સમુદાય માટે ગૌરવ સમાન હતા. ભગવાનને પ્રાર્થના કે તેઓ સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે.’ – નિર્મલ સેઠિયા
જાણીતા કોર્પોરેટ વકીલ અને હિન્દુ અગ્રણી ધ્રુવ છત્રાલીઆએ જણાવ્યુ હતુ કે ‘’શ્રી રમણિકલાલ જીના ઉષ્માભર્યા, પ્રેમાળ વ્યક્તિત્વનો લાભ મને મળ્યો છે. તેમણે ભારતીય સમુદાયમાં અતુલ્ય યોગદાન આપ્યું છે. તેમણે ખૂબ જ સમર્પણ સાથે સમાજની સેવા કરી ભારતીય ડાયસ્પોરાની અનેક પેઢીઓ વચ્ચે સેતુરૂપ બન્યા છે. તેમણે શ્યામના ધાર્મિક કાર્ય માટે અદભૂત સમર્થન આપ્યુ હતુ. આ દુ:ખદ ઘડીએ અમારા વિચારો અને પ્રાર્થના તમારી સાથે છે. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: – ધ્રુવ છત્રાલીઆ
બીબીસીના પત્રકાર, ન્યૂઝરીડર અને ડેપ્યુટી ન્યૂઝ મેનેજર રીઝ લતીફે જણાવ્યું હતું કે “શ્રી રમણિકલાલ સોલંકી એક અગ્રણી અને પ્રેરણાદાયી માનવ હતા જેમનો આત્મા આજે તેજસ્વી થઈ ગયો છે. આ કપરી ક્ષણોમાં કલ્પેશ, સાધના અને આખા કુટુંબ સમક્ષ શોક વ્યક્ત કરૂ છું.” – રીઝ લતીફ
જાણીતા લોહાણા અગ્રણી અને સફળ બિઝનેસમેન હસુભાઇ માણેકે જણાવ્યુ હતુ કે શ્રી રમણિકલાલભાઇ ખરેખર યુકેમાં એથનિક માધ્યમોના સાચા પ્રણેતા હતા. માતૃભાષા ગુજરાતી પ્રત્યેના બિનશરતી પ્રેમથી દોરવાયેલી તેમની ભાવના અગ્રેસરની હતી, જેણે તેમને ગરિમા અપાવી હતી અને તમે બધાએ તેમને ગૌરવ અપાવ્યું છે. ” – હસુ માણેક
યુકે એક્સપોર્ટ ફાઇનાન્સ બોર્ડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અમીન માવજી, ઓબીઇએ જણાવ્યુ હતુ કે ‘’શ્રી રમણિકલાલજી સાચા અર્થમાં મહાન વ્યક્તિ અને સાચા અગ્રણી હતા. તેઓ આપણા બધા માટે રોલ મોડેલ હતા. તેમની ખોટ ખૂબ જ સાલશે. અમારી લાગણી અને પ્રાર્થના આ મુશ્કેલ સમયે પરિવાર સાથે છે.” – અમીન માવજી, ઓબીઇ
રમણિકલાલ સોલંકી લંડનમાં ગુજરાતી સાપ્તાહિક ‘ગરવી ગુજરાત’ શરૂ કરનારા સ્થાપક હતા. તેઅો જન્મજાત તંત્રી હોઇ તેમને ખબર હતી કે લોકોને આવું અખબાર વાંચવું ગમશે. તેઅો ભાષા ઉપર અભૂતપૂર્વ પ્રભુત્વ ધરાવતા હતા. સાચા અર્થમાં કર્મયોગી એવા રમણિકલાલ સોલંકીએ નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરી હતી. યુકેમાં ગરવી ગુજરાત અને અન્ય અંગ્રેજી પ્રકાશનો વિશ્વભરના ગુજરાતીઅોને ગૌરવ થાય તેવા સંસ્થાન રૂપ છે. રમણિકભાઇને તેમના યોગદાન માટે ભાવિ પેઢીઅો પણ યાદ રાખશે. – ડો. સુનિલ કોઠારી
બીબીસી રીપોર્ટર સંગીતા મૈસ્કાએ જણાવ્યું હતું કે “તેઓ એક અતુલ્ય માણસ હતા અને સમુદાયના શ્રેષ્ઠ હતા.” -સંગીતા મૈસ્કા (બીબીસી રિપોર્ટર)
પીકફોર્ડ્સના સીઈઓ યોગેશ મહેતાએ જણાવ્યુ હતુ કે “શ્રી રમણિકભાઇ આપણા સમયની મહાન દંતકથા સમાન હતા. તેઓ એક સુંદર વારસો છોડી ગયા છે. તેમના જીવન અને સુંદર યાદોની ઉજવણી કરવાનો આ અવસર છે.” – યોગેશ મહેતા
પરમ આદરણીય શ્રી રમણિકલાલ ભાઈ આ નશ્વર દેહનો ત્યાગ કરી ધામમાં ગયા … યુરોપમાં ગુજરાતી પત્રકારિત્વ ના ભીષ્મ પિતામહ સમાન શ્રી રમણીકલાલ ભાઈ એક સમૃધ્ધ વારસો ગુજરાતી પેઢી માટે મૂકતા ગયા છે. ‘ગરવી ગુજરાત’ની લંડન માં શરૂઆત ના દિવસોમાં સંઘર્ષનો હિંમતથી સામનો કરનાર શ્રી રમણિકલાલ ભાઈ એક નીડર , પ્રેમાળ અને સ્નેહસભર વ્યક્તિ હતા. સમગ્ર સોલંકી પરિવાર ને શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સદગુરુ શ્રી dhyani સ્વામીજી આ વિકટ પળમાં ધૈર્ય અને હિંમત આપે તેવી પ્રાર્થના… કલ્પેશભાઈ, શૈલેષભાઈ તેમજ ભાઈ આદિત્ય ઉપર શ્રી રમણીકભાઈના સિદ્ધાંતો, તેમના કાર્યોને આગળ વધારવાની અને તેમના સ્વપ્નો પૂરા કરવાની જવાબદારી રહે છે .. શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી આપ સહુ ને ખૂબ શક્તિ આપે તેવી પણ પ્રાથના ……. – શૈલેષ વ્યાસ
ભગવાનશ્રી સ્વામિનારાયણ એમના આત્માને શાંતિ આપે અને ‘ગરવી ગુજરાત’ પરિવારને ધીરજ આપે; એ જ પ્રાર્થના સાથે ‘ગરવી ગુજરાત’ના માધ્યમથી સ્વ. રમણિકલાલે કરેલા ઊમદા કાર્યોને જીવંત રાખીએ એજ સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. માતૃભૂમિ અને માતૃભાષાની સાથે સમાજને જોડવાનું જે કાર્ય થયું છે તે તેમના જીવનનું સુવર્ણ સેવાકાર્ય છે – સંત વલ્લભ સ્વામી
કવિ, પત્રકાર અને પ્રકાશક યોગેશ પટેલ, એમ.બી.ઇ.એ જણાવ્યુ હતુ કે ‘’નિર્વિવાદ અગ્રણી રમણીકભાઇનું અવસાન થતાં મને ખૂબ જ દુ:ખ થયું છે. તેમના નિધનથી યુ.કે.ની ગુજરાતી ઓળખને ચોક્કસ અસર પડશે. મારી સ્વર્ગીય સાહિત્યકાર નિરંજનભાઇ ભગત સાથે તેમના ઘરે તેમના ઘરે જમવા સહિતની ઘણી યાદો છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રર્થના. – યોગેશ પટેલ એમ.બી.ઇ.
અનેક સખાવતી સંસ્થાઓની ટ્રસ્ટી અને લેખક ડો. વિનોદ કપાસી, ઓ.બી.ઇ.એ જણાવ્યું હતુ કે પૂજ્ય રમણિકભાઇ સોલંકીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. તેમણે ખૂબ જ ઉત્સાહ, પરિશ્રમ અને દ્રઢતાથી પ્રકાશન વ્યવસાયનું સામ્રાજ્ય બનાવ્યું હતુ. પીલ રોડના એક ઘરેથી કરેલી નમ્ર શરૂઆત વિશાળ એએમજી જૂથ તરફ દોરી ગઈ હતી. 1969/70માં તેમને પેપર ચલાવવામાં નમ્ર મદદ કરવામાં સહભાગી થયો હતો. આજે ગરવી ગુજરાતનો દરેક અંક સુંદર સફળતા-વાર્તા વર્ણવે છે. ભગવાન તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તેવી પ્રાર્થના. – ડો. વિનોદ કપાસી, ઓ.બી.ઇ.
જેએએમ હોસ્પિટાલિટીના પ્રેસીડેન્ટ જય (જિમ્મી) પટેલે જણાવ્યુ હતુ કે ‘ગરવી ગુજરાત’ના સ્થાપક અને એશિયન મીડિયા ગ્રુપના વડા શ્રી રમણીકલાલ સોલંકીના નિધનના સમાચાર જાણી દુ:ખ થયુ. યુકે અને યુએસએમાં પ્રિન્ટ મીડિયામાં ગુજરાતી સમુદાયને અવાજ અપાવવામાં તેઓ મદદરૂપ બન્યા હતા. યુએસએના લેઉઆ પાટીદાર સમાજનો અવાજ પહોંચાડવામાં તેમણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. એએમજી વર્ષોથી આપણને મદદ કરવામાં અગ્રેસર હતુ અને ઘણા વર્ષોથી એલસી મેગેઝિન પ્રકાશિત કર્યું હતું. અમને સૌને ગૌરવ છે કે શ્રી સોલંકી અને તેમના કુટુંબને જાણવાની અમને તક મળી છે.” – જય (જિમ્મી) પટેલ
અનંત શાહે જણાવ્યુ હતુ કે “શ્રી રમણીકલાલ ભાઈ એક અદભૂત માણસ હતા. તેમને જાણવાનો લ્હાવો મેળવનારા દરેકને તેમની ખૂબ જ યાદ આવશે.” – અનંત શાહ
પુષ્ટિનિધિ યુકે – શ્રીજીધામ, લેસ્ટરના ટ્રસ્ટી પ્રફૂલ ઠકરારે જણાવ્યુ હતુ કે ‘’તેઓ અદભૂત વ્યક્તિ હતા અને ભારતીય સમુદાય તેમને સદાય યાદ રાખશે. તેઓ ભારતીય સમુદાયને સૌ પ્રથમ ગુજરાતી સાપ્તાહિક આપનારા વ્યક્તિ હતા. ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કે સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે. – પુષ્ટિનિધિ યુકે